પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




લાશ મિલ જાયગા !

“ત્યારે તો, સા’બ, સવારે એનું મડદું……”

“હાં હાં બુઢ્‌ઢી, કલ ફજરમેં તમારા બેટાકી લાશ લેનેકો આના.”

“સવારે કેટલા બજે, સા’બ ?”

“નવ બજે – હાં, બસ, દેખો ને, સાઢે સાત બજે ફાંસી દે હેંગે, આધા ઘંટા લટકને દંગે, પીછે જલદી સા’બ લોગ ઉસકો દેખ લેંગે, પીછે નવ બજે બરાબર લાશ દરવાજા પર આ જાયેગી.”

“ત્યારે તો, સા’બ, ખાટલો નવ બજે લાવું ને ? માથે કાંઈ ઓઢાડવાનું લાવું ?”

“હાં, લાના.”

હીરજી કેદીની મા તથા જેલર વચ્ચે તે દિવસે સાંજે આટલી વાત થઈ ગઈ. ડોશી દરેક વાતની ચોકસી કરતી-કરતી આંખો લૂછતી હતી. હીરજી વળતા પ્રભાતે ચડવાનો હતો. જેલરે ડોશીને એવી આસાનીથી બધું સમજાવ્યું કે જાણે હીરજી કેદીને વળતે પ્રભાતે પરણવા જવા માટે બહાર નીકળવા દેવાના હોય ને ! ડોશીની ડોક ઉપરનું આખું માથું, સંચાવાળી ઢીંગલીના માથાની પેઠે, પ્રત્યેક વાતના જવાબમાં ડગૂડગૂ ધૂણતું હતું.

લાશ સોંપવાની આટલી ચીવટભરી વિધિ મને બહુબહુ ગમે છે. એ વાત કરવાથી ફાંસીએ જનારનાં સગાંવહાલાં ભારે સાંત્વન પામી જાય છે. જેલવાળાને પણ કશી ગમગીની રહેતી નથી. આવી વાત હું અહીં જ્યારે જ્યારે સાંભળું છું ત્યારેત્યારે મને લગનવિધિ કરનારો આપણો ગોર યાદ આવે છે. પરણનાર પુરુષને ક્યારે તોરણે લઈ જવામાં આવશે, જ્યારે ચોરીએ


106
જેલ ઓફિસની બારી