પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચડાવી લેવાશે, ક્યારે સપ્તપદીના મંત્રો ભણાઈ જશે, એ જ મુદ્દા ચર્ચાતા હોવાનો મને આ દરેક ફાંસીને સમયે ભાસ થાય છે. ફાંસી દઈને પછી લાશ દરવાજે સોંપવી એ એક સાદું, રોજિંદું વહીવટી કામ બની જાય છે. આ રીતે મૃત્યુ જેવો એક ગંભીર મનાતો પ્રસંગ કેટલી સરસ રીતે આપણા જીવનની અંદર વણાઈ જાય છે ! મોતની ફિલસૂફી ગાનારા કવિઓ કે તત્ત્વવેત્તાઓ શીદને નાહક આવા પ્રાણ કાઢી નાખવાના નજીવા અવસરને નિગૂઢ, ગંભીર તથા કરણ ચીતરતા હશે ! અમારો ગોરો જેલ-હાકેમ તો બોલી ઊઠે છે કે ‘આફ્ટર એવરી સચ એક્ઝીક્યુશન, આઈ એન્જોય આ હાર્ટી મીલ. (આવા પ્રત્યેક ફાંસીદાનને પતાવ્યા પછી હું નિરાંતે પેટ ભરીને જમું છું.)’

હીરજીને ફાંસી દેવાયા પછીની કડાકૂટ કરતાં-કરતાં, કાગળિયાં અને તુમારોની વિધિ પતાવતાં-પતાવતાં વળતે દિવસે ગોરા હાકેમને હંમેશાં કરતાં જમવાનું ઘણું મોડું થયું. ઘેર મહેમાનો જમવા નોતર્યા હતા તે પણ બાપડા મેજ પર રાહ જોઈ બેસી રહ્યા. છતાં એણે ખામોશી રાખી લાશ સોંપવાનું કામ ચીવટથી પતાવ્યું ને જાણે એક દેડકુંય મર્યું નથી એવી શાંતિ જેલમાં બધે પ્રસરી રહી.

ફાંસીખાનામાંથી મૅજિસ્ટ્રેટસાહેબ કામ પતાવી ઑફિસમાં આવ્યા ત્યારે એમણે પણ કાગળો પર સહી કરતાં-કરતાં એ જ મતલબનું કહ્યું કે “બહુ શાંતિથી પતી ગયું. બેશક, અમેરિકાની ‘ઇલેક્ટ્રિક ચેર’ જેટલું તો સરલ નથી, છતાં આ આપણું ફાંસીયંત્ર ફ્રાન્સની જૂની ‘ગિલોટીન’ કરતાં તો ઘણું વધુ સુખકર છે. બે મિનિટમાં તો નિકાલ થઈ જાય છે. બસ ફક્ત, બે જ મિનિટની ધીરજ જો કેદી ધરી રાખે ને, તો એને મરવું એક બચ્ચાના ખેલ જેવી વાત બની જાય. કશી પીડા નહિ, છાંટો લોહી સુધ્ધાં રેડવાનું નહિ, ઘોંઘાટ કે ધક્કામુક્કી નહિ. ડારો કે ધમકી નહિ, બૂમબરાડા નહિ, આંખોના ડોળા પણ ફાટ્યા રહેવાનું નહિ – બે મિનિટમાં તો સદાની શાંતિ !”

એવું કહીને મૅજિસ્ટ્રેટસાહેબ સહી ટપકાવી દીધી અને અમારા હાકેમ જોડે હાથ મિલાવી હસતા-હસતા એ નગર તરફ મોટર હંકારી ગયા; કહેતા ગયા કે “સાંજે ક્લબમાં મળીશું. આજ તો પાર્ટી છે ને ! સાહેબજી !”


લાશ મિલ જાયેગા !
107