પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બસ, બે જ મિનિટમાં તો સદાની શાંતિ’: આ શબ્દો મારા હૃદયમાં અંકાઈ ગયા. આની ફક્ત બે જ મિનિટની સબુરી આ ફાંસી ખાનારા કેમ નહિ બતાવતા હોય ! એમાં તેઓનું શું જવાનું હતું ? બે મિનિટમાં નાહક લાંબા વિચારો તેઓ શીદ કરતા હશે ? આગલી સાંજે સગાંવહાલાંને મળવા તેડાવવાં એ પણ કેવી નાદાની ! કેટલી છોકરમત ! બે મિનિટ ઈશ્વર ઉપર ધ્યાન ઠેરવતા હોય ! પોતાનાં પાપની ક્ષમા માગતા હોય !…… કેટલું સરલ !

હીરજીની ડોશી મળવા આવી ને સાથે હીરજીની ત્રણ વરસની દીકરીને પણ લેતી આવી. હીરજીએ એને ખોળામાં લીધી. જુવાન હીરજી બે મહિનામાં તો બુઢ્‌ઢો બની ગયો હતો. ખોળે બેઠેલી છોકરી બાપના મોં સામે તાકીતાકીને જોવા લાગી. એને ઓળખાણ પડતી નહોતી. બાપના ખોળામાંથી નાસી છૂટવાનું એને મન થતું હતું.

બાપ દીકરીને પૂછે છે, “વાલકી ! તારે બાપ છે ?”

વાલકી કહે, “હોવે.”

“ક્યાં છે ?”

“ગામ ગયા છે.”

“કિયે ગામ ?”

“ભગવાનને ગામ.”

“તું એને સંભારે છે ?”

“હોવે. બાના ખોરામાં બેસીને અમે રોજ સાંજે કહીએ છીએ: ભગવાન, ઓ ભગવાન; બાપાને ત્યાં દખી કરીશ ના. પેટ ભરીને ખાવા દેજે. એને ભૂખ બહુ લાગે છે, હો ભગવાન !”

આટલું બોલતી વાલકી રડી પડી.

“વાલકી, હું પોતે જ તારો બાપો છું.”

“નહિ, તું નો’ય મારો બાપો.”

“કેમ નોય ?”

“એ તો રૂપારો હતો. મારા જેવો હતો. એ તો ગીતો ગાતો મારી કને. તું ક્યાં ગાય છે ?”


108
જેલ ઓફિસની બારી