પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ હીરજીની જીભ ચાલી શકી નહિ. આ ધન્યવાદ દેનાર પ્રત્યેકને ફાંસીએ લટકાવી દેવાની લાગણી એના હૃદયમાં ફેણ પછાડતી હતી.

ત્યાં તો હીરજીના કાન મારી તરફ મંડાયા, એનો કાકો ને એની ડોશી જેલરસા’બની જોડે કંઈક વાતો કરતાં હતાં. જેલર કહેતો હતો કે “હાં હાં, લાશ તુમકો ફજરમેં મિલ જાયગા હો ! ગભરાના મત, હમારે લાશને શું કરવા છે ?”

“સારું, સા’બ !” હીરજીની ડોશી હાથ જોડીને ઊભી હતી, તેણે ખળખળતે આંસુએ આભાર માન્યો; “તમારું સારું થાજો, સા’બ ! મારે તો એકનો એક હીરજી – મારું તો ઉજ્જડ થઈ ગયું. તમે માવતર છો, બાપા ! ખબર રાખજો.”

“વારુવારુ, ડોશી ! કાંઈ ફિકર નહિ.” જેલર એના મોટામોટા ચોપડામાં સહીઓ કરતાં-કરતો કહેતો હતો.

“અને, હેં સા’બ !” ડોશી જેલરને કંઈક પૂછવા લાગતી હતી.

“બોલો, ક્યા હૈ ?” જેલરને રોજકામમાં મોડું થતું હતું. શિયાળાનો દિવસ જલદી જલદી આથમતો હતો.

“ઈને સવારમાં કંઈ ચા-બા દેશો ? હું પોગાડું ?”

“કાયદો નથી, ડોશી !”

“તયીં હાઉં ! તયીં તમે બાપડા શું કરો ? આ તો મને ઈમ થ્યું કે મારા હીરજીને ચા બહુ ભાવતો. એમાંય ખાસ કરીને મારા હાથનો કરેલ ચા તો હીરજી તાંસળી ભરીને પી જાય. વહુના હાથનો ચા ઈને માઠો ભાવે. હું છું તે માંઈ મશાલો નાખીને પરથમ ઉકાળું, પછેં પાછું દૂધ નાખી ફેર પાકવા દઉં, ને પછેં ચા નાખું, એટલે રૂપાળો…”

જેલરે પીળી પાઘડીવાળા મુકાદમને કહ્યું કે “બારી બંધ કરો.”

મારા ઉપર બારણાં બિડાયાં. ડોશીને એમ થયું કે ચાના વર્ણનમાં કશીક ભૂલ આવી; અથવા કદાચ જેલરને આવી જાતની ચાની બનાવટ ગમતી નહીં હોય; અથવા એને બીજું કંઈક કામ હશે.


110
જેલ ઓફિસની બારી