પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






રાજકેદીની રોજનીશી

“તા. 10-5-’22:

“મને કેદ પકડાયાં આજ ત્રણ દિવસ થયા. મારી સજામાંથી આમ 1/60 જેટલી તો હું ભોગવી ચૂક્યો, હવે તો ફક્ત 59/60 જેટલી જ મુદત બાકી રહી. એ પણ ચાલી જશે. ભારે પગલે પંથ કાપતા થાકેલા કોઈ ગાડાના બળદો જેવા કંગાલ આ ઉનાળાના દિવસો એકાદ માસમાં તો અદૃશ્ય બની જશે, ચોમાસાના પુરપાટ વહેતા ને તોફાને થનગનતા અશ્વો સમા વર્ષાના દા’ડા આવશે, ત્યારે તો પછી દિવસમાં ચાર વાર સાડી-પોલકાં બદલતી નવવધૂ-શી આ નખરાળી કુદરત આજની ગ્લાનિને ઉડાડી મૂકી એવી ઉમેદ રાખીને હું વૈશાખના સળગતા બપોર વિતાવું છું.”

રાજકેદી ભાઈ પોતાની રોજનીશી લખી રહેલ છે; પોતાના દુર્બલ હૈયાને છેતરવા માટે આવા ઢોંગ કરે છે. મનને મનાવવા મથે છે કે જાણે પોતાને કેવળ આ ગરમ ગ્રીષ્મ જ અકળાવે છે. ચોખી ભાષાને એ ભૂલવા ચાહે છે. હાં, હાં, રાજકેદી ભાઈ ! ચલાવો તમારી કાવ્યભરી બાની.

“દોઢ હજાર કેદીઓના ગામડા જેવી આ જેલને એક છેડે ઊંચી અને પહોળી પરસાળવાળું, હવા-પ્રકાશે પ્રફુલ્લિત આ મકાન છે. આંગણામાં છ લીલા લીંબડાના ઘટાદાર મંડપ તળે એક નાનોશો ફૂલબાગ છે. મોગરાનાં મોટાંમોટાં ફૂલો રોજ પ્રભાતે મોં મલકાવીને વહાલાં આત્મજનોના હસતા દાંતની માફક અમને મંગળ શકુનો કરાવે છે. મારા કેટલાક સાથીઓ એ ફૂલ ચૂંટીને સવાર-સાંજ અમારા લેરખડા સરદાર …ને ધરે છે. પરંતુ હજુ સુધી એકેય ફૂલ તોડવાની મારી હિંમત ચાલતી નથી. મને એમાં જીવતાંજાગતાં હસી રહેલ કોઈ નાનાં નમણાં માનવમુખો, અને શેકેલી સોપારીનો


રાજકેદીની રોજનીશી
113