પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 બદામ મેળવેલો ચૂરો આપવા લંબાયેલા દસ ટેરવાંનો ભાસ થાય છે. ફૂલોની અંદર પ્રભુદર્શન પામનારા ભાવિકોની હાંસી કરનાર જે હું, તે આ કળીએ અને ટીશીએ, પાંદડે ને ડાળીએ મારા પ્રિયજનનું દર્શન પામી રહ્યો છું !”

નાટક કરો છો ને, રાજકેદી ભાઈ ! નબળી લાગણીઓને ભાવનાના વેશ પહેરાવી રહ્યા છો ને ? તમારી આ છેતરપિંડી મારાથી તો અછતી નથી. હાં, આગળ ચલાવો. વીરતાનાં કાવ્યો પણ આમ જ લખાય છે. લખો –

“વૈશાખ એટલે લગ્નનો માસ. મનુષ્યોએ શું પક્ષીઓનું અનુકરણ કર્યું હશે ! પક્ષીઓની પણ આ ‘મેઇટીંગ સીઝન’ એટલે મિલન-ઋતુ છે. સવાર પડે છે ને આ સાત ઝાડવાં ઉપર ભાતભાતનાં પંખીઓ જુગલ જોડીને રમવા ને ગાવા મચી જાય છે. તરવરિયાં, પાતળી હાંઠીનાં, પાંખો ઉપર કાળા અને બાકીને શરીરે પાકેલ કેરી જેવા પીળા રંગનાં બે પક્ષીઓ એકબીજાની પછવાડે ઊડતાં જે બોલી કરે છે. તેની મેળવણી કરતાં-કરતાં મનમાં એવી યાદ જાગે છે કે જે હું આંહીં નહિ લખું. મોંમાં કોઈ વેદનાના અંગાર ભર્યા હોય તેવું લાલઘૂમ તાળવું દેખાડતું સદાય ફાટેલી ચાંચવાળું નાનું પક્ષી બુલબુલ પૂછડાના પિચ્છની નીચે પૃષ્ઠભાગ પર પણ એવી જ રાતી ભોંય બતાવે છે. એના કંઠેય જાણે જખમ નીતરતા હોય તેવી લાલપ: પણ કોણ જાણે કોના શાપે એ એકલું લાગે છે. અધીરિયા જીવનાં કોયલ પક્ષીઓ તો પાછલી રાતના ત્રણ-ચાર બજ્યાનાં જાગી પોતાના નફ્ફટ દાંપત્ય-પ્રેમની પિપૂડી બજાવ્યા જ કરે છે. કેમ જાણે એમને એકલાંને જ લગ્નના લહાવા મળ્યા હોય ! પારેવાં બિચારાં શરમાળ અને સહુમાં મોટાં, એટલે ભારેખમ દીદાર રાખી ભમે છે; પણ બપોરવેળા જ્યારે બીજાં પક્ષીઓની પડાપડી ઓછી થાય છે ત્યારે મકાનની છતમાં છાનાંમાનાં લપાઈને પ્રેમગોષ્ઠીના ઘૂઘવાટ કરે છે. આ બધાં પંખીઓનાં ચાંદૂડિયાં પાડતાં વાતોડિયા કાબરાં મને સહુથી વધુ કવરાવે છે. એને તો કુદરતે જ લત લગાડી છે સહુ પક્ષીઓના ચાળા પાડવાની – એના લવારામાંથી અનેક સૂરો ઊઠે છે, પરંતુ એની આ દુત્તાઈમાં દ્વેષ વા અહં નથી. એનો વિનોદ નિર્દોષ છે. અમારા પ્રત્યેક પ્રભાતને પોતાનાં પ્રભાતિયાંથી સ્વાગત દેતાં આવાં પક્ષીઓ સાંજના છેલ્લાં અજવાળા સુધી અમારો સંગ રાખે છે અને રાત પડે ત્યારે બાજુના એક ઘટાટોપ વડલામાં સમાઈ જાય છે.


114
જેલ ઓફિસની બારી