પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 “બેથી અઢી હજાર પક્ષીઓએ આ વડલાને પોતાનું વતન કરેલ છે. કોઈએ કહ્યું કે એ વડ પણ એક આવું જ બંદીખાનું છે ના ! મેં કહ્યું કે ના, ના, એ તો નમૂનેદાર ‘સ્વરાજ’ છે સ્વરાજના સંપૂર્ણ આદર્શ એ પૂરા પાડે છે. આટઆટલી અનેક જાતિનાં ને જુદાંજુદાં વતનનાં, રીતરિવાજનાં ને ખાનપાનનાં ભેદવાળાં નાનાં-મોટાં પક્ષીઓ હજારોની સંખ્યામાં ડાળીએ-ડાળીએ, ભીડાભીડ છતાં પણ જરીકે કંકાસ કર્યા વિના, અદાલત-પોલીસ અથવા પરસત્તાના કોઈ જાતના બંદોબસ્ત વિના રાતવાસો રહે છે, અને પ્રભાતે સહુ પોતપોતાના પેટગુજારા માટે ઉદ્યમે ચડી જાય છે. આ વિશાળ ધરતીમાં એમને એનો કણચારો મળી રહે છે. પરસ્પર ધાડ પાડવાનું કે ધૂતવાનું એમને સુઝતું નથી. મોટા મોટા મોરલા, કાગડા કે સમળા પણ ત્યાં રહેતાં હશે તે છતાં કોઈને પોતાની સાર્વભૌમ સત્તા સ્થાપવાનો લોભ નથી થતો. સાચાં શ્રમજીવીઓની રીતે શ્રમ ઉઠાવી તેઓ ઉદર પોષે છે ને ફરી સાંજે આવી ભાઈભાંડુને શોભે તેવી ભીડાભીડમાં લપાઈ જાય છે. શ્રમથી રળેલી આજીવિકામાં એમને જે મીઠાશ લાગે છે તે મીઠાશ તેઓનાં પ્રભાતસંધ્યાનાં સ્તોત્રોરૂપે ગુંજારવ કરે છે. પછી એ ગુંજારવ માલિકની બંદગીના હો વા વરવહુના રીઝવણાંના હો, મને તો એમાં જીવનનો જયકાર જ સંભળાય છે. અમારી રોજની સંસ્કૃત શ્લોકોની પ્રાચીન જડ પ્રાર્થના કરતાં આ પક્ષી-કલ્લોલના શ્રવણમાં મને ખરો વિરામ મળે છે. દુનિયાના લોકો જ્યારે-જ્યારે આમ પક્ષીઓના જેવી શ્રમજીવી દશા ગાળતાં, ત્યારે ત્યારે તેઓને કંઠેથી પણ ગીતોના આવા જ ઉન્નત કલ્લોલ ઊઠ્યા હતા.

“બપોરનો પવન લોથપોથ થાકેલા કેદી જેવો પડી ગયો છે. એના હાંફતા હૈયામાંથી જે ધખતી વરાળ લગાર-લગાર નીકળે છે, તેની અંદર ઝાડનાં પાંદડાં થોડાંથોડાં થરથરે છે. મુક્તિ માગવા માટે સવિનય કાનૂનભંગ કરવા નીકળેલા એ મહાસત્ત્વને, એ વાયુરાજને બ્રહ્માંડનો કોઈ જાલીમ સાર્વભૌમ ગગનના એકાન્ત કારાવાસમાં ગૂંગળાવી રહ્યો લાગે છે. સત્યાગ્રહ-સેનાના સૈનિકો જેવાં ઝાડવાં એ આકાશી જુલમગારની તપતી સત્તામાં શેકાતાં-શેકાતાં પણ સિદ્ધાન્તમાં અચલ અણનમ ઊભાં છે. બંદીખાનાની દીવાલ પર બેઠેલાં કબૂતરો બફાઈ જાય તેવા ધુપની અંદર પણ પરસ્પર ચાંચમાં ચાંચ પરોવી પ્યાર કરે છે. પ્યાર એ કરી શકે છે કેમ કે બહાર ચાહે તેવો તાપ હોવા છતાં પણ એના જીવનની ભીતરમાં આઝાદી છે. આથી મુક્ત દશાને શું તાપ કે શું છાંયડી ! અને ગુલામો ઠર્યા તેને


રાજકેદીની રોજનીશી
115