પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થોડા બાગબગીચા કે વૃક્ષવીથિઓ અને ફુવારા-દીવાથીયે શું ? એ કબૂતરની જોડલી તાપમાં પણ મહાલે છે. જ્યારે મારી ‘અ’ વર્ગના કેદીની આ ઊંચી ઉજાસવાળી, સુંદર શીતળ કોટડી પણ મને એકાકી કરી, મારા હલનચલન પર પહેરા મૂકીને પળેપળ અકળાવે છે.

“ખિસકોલાં જ્યાં ને ત્યાં છાંયડો ગોતી આખું શરીર નાખી દઈ ધરતી પર પડ્યાં છે. કેટલાંક વળી પીપળાની પેપડીઓ ખાવા દોટાદોટ મચાવે છે. મારા બંધકેદીઓ તો કેમ જાણે દોઢ-બે વર્ષની કોઈ છુટ્ટી મળી હોય અને કોઈ વિદ્યાલયમાં અભ્યાસની અનુકૂળતા સાંપડી હોય તેમ પ્રાચીન હિન્દની તવારીખોથી લઈ ઈ. સ. 1922 સુધીની આયર્લેન્ડની યુદ્ધ-કથાનાં થોથાં ઉપર તડાપીટ પાડી રહ્યા છે. આપણને પણ એકાદ-બે માસમાં બ્રિટિશ સત્તા નમીને યુદ્ધવિરામની શરતો ધરવા આવશે તે વેળા આપણે મહાપુરુષો પણ કેવી રીતે મોં મરડી, નાકનું ટેરવું ફુલાવી, આંખની ઠેલડીઓ ચડાવી સામા કરારો મૂકશું તેની ભારેખમ તૈયારી આયરીશ વીર મીકેલ કોલીન્સની જીવનકથાનાં દળદાર પોથાંમાંથી ચાલી રહી છે. તે વખતે, વાતાવરણની આ બાફને ચીરતી, પવનની મૌનવેદનાના વિદારતી એક કિકિયારી પડે છે કે ‘ઈન્કલાબ ઝિન્દાબાદ!’

“કોટડીમાંથી દોડીને અમે પરસાળમાં આવીને છીએ, કાન માંડીને સાંભળીએ છીએ, ઊપડતી આગગાડીનાં પૈડાંના ઘરઘરાટ સાથે અને એન્જિનના અંતઃકરણમાંથી ઊઠતી આહના ધખારા સાથે તાલ દેતો પચાસેક કંઠનો શોર ચાલ્યો જાય છે: ઇન્કલાબ ઝિન્દાબાદ ! ઇન્કલાબ ઝિન્દાબાદ ! ઇન્કલાબ ઝિન્દાબાદ ! ધખધખાટ ! ધખધખાટ ! ધખધખાટ !……

“અવાજ જાય છે, એ જાય, ઓ જાય, ઓ ચાલ્યો જાય. જાણે આંખો દેખે છે, અવાજ જાણે દેહ ધરે છે, આગગાડીને વાચા ઊઘડે છે, એના સંચા પણ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’નો ઘોષ ઝીલતા જાય છે. કેટલી જુદીજુદી વેદનાઓથી ભરેલો અવાજ છે ! જાણે માતા પુત્રને ખોળતી બૂમો પાડે છે. પત્ની પતિને સાદ દઈ રહી છે, બાળક જનેતાને જગાડે છે. સહુનાં કલેજાંમાંથી ઊઠતી ચીસોને એકસામટી હાલવીને ભરેલો જાણે શીશો છે આ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’. મારે માટે એ શબ્દમાંથી અધિક સુગંધ મહેકે છે, કેમ કે મારી ઓચિંતી ગિરફતારીને વખતે હૈયું ગુમાવીને રડી પડેલી પ્રિય પત્નીએ એક જ પલકમાં એ ઘોષણા કરીને દિલ પાછું કબજે કરી લીધું હતું.


116
જેલ ઓફિસની બારી