પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 બોકડા ચોરી-ચોરીને ખવરાવવાનો છું. એ સાત કુત્તા નારડાની સામે તમને સાત સાવઝ જેવા બનાવવા છે, હો કે ભેરુડાઓ !”

આવી ભવ્ય યુદ્ધ-યોજના એના ભેજામાંથી જન્મ પામી એને વળતે જ દિવસે જેમલો પકડાયો. અત્યારે રાજકેદી ભાઈની ડોલરને કારાગારનાં દ્વાર પર રમાડાતી દેખીને જેમલાને એની બાવળીનાં સાત કુરકુરિયાં સાંભરે છે. સારું છે કે ડોલરની બાને આ વાતની ખબર નથી તેમ જ જેમલા કેદીની રોજનીશી કદાપિ છપાવાની નથી.

જ્યારે જ્યારે નાનકડી ડોલર દરવાજે આવે છે ત્યારે-ત્યારે જેમલો આમ જ ટાંપી રહે છે. ડોલરની બાને જેમલાની આ ટાંપ નથી ગમતી; જેમલાની નજર એને મેલી લાગે છે. કેમ જાણે જેમલો ડોલરની ગળચી દાબવા તત્પર થતો હોય તેવી રીતે તેના હાથનાં આંગળાં પંખા-દોરીને પડતી મૂકે છે ને ડોલર તરફ ખેંચાય છે.

જેમલાનો દેખાવ જાણે હિંસા ધરે છે. પણ ડોલરની બા !તમે ડરશો નહિ. એને તો એની બાવળી કૂતરીનાં સાત કુરકુરિયા સાંભરે છે. પણ જેમલાનું ભાગ્ય એ છે કે હિંસાની તેમ જ હેતની, બેઉ પ્રકારની લાગણીઓ બતાવવાની એની રીત એક જ સરખી છે.

જેમલાની હિંસા તો પેલા સાત નારડા ઉપર ટાંપી રહી છે; ને બીજી દાઝ એને આ વાતવાતમાં ‘સાલા !’ કહેનાર પાન ચાવતા કારકુન ઉપર ચડેલી છે. મનમાં મનમાં એ મનસૂબો ઘડે છે કે બાવળીનાં સાતેય સાવઝડાંને મોટાં કરી એક વાર આંહીં લાવું, ને પછી આને એવો ફાડી ખવરાવું કે આજ એ પાનપટ્ટીની પિચકારીઓ ઉડાડે છે તેવા જ રાતા રંગના કોગળા એના મોંમાંથી નીકળી પડે !

ડોલર બોનને તો એક કુરકુરિયું ભેટ દેવાનું દિલ થાય છે જેમલાને. પણ સાતેય જીવતાં રહ્યાં હશે ? કાગળમાં પુછાવતાં તો ભૂલી જ ગયો. ઘણુંય રાજકેદીભાઈને કહેવાનું તો મન થાય છે કે તમારા આટલા થોથારિયા કાગળ ભેળી મારી એક ટાંક મારી દો ને, ભાઈ, કે મારી બાવળીનાં સાતેય જીવે છે કે નહિ ? કેવડાંક થયાં છે ? કેવાંક ભસે છે ? દાંત કેવાક બેસારી શકે


જેમલાનો કાગળ
121