પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે ? માલા ગોવાળના બોકડાને પકડે એવાં થયાં છે કે નહિ ? સાત નારડા આપણી સીમમાં હવે આવે છે કે નહિ ?

પણ રાજકેદી ભાઈના ભાવભર્યા કાગળમાં બાવળીનાં કુરકુરિયાંની વાત કોણ લખે ?

જેમલો ઝબકે છે – એને કાને અવાજ પડે છે: “સાલા, પંખા ક્યું બંધ કરકે બેઠા હૈ? ફટકા ખાના હૈ ક્યા ? સાલા ઑફિસમેં રે’ કર તગડા હો ગયા !”

એ સ્વર કારકુન સાહેબનો છે. જેમલાના હાથ પંખા-દોરી ખેંચવા લાગ્યા છે અને રાજકેદી ભાઈ નવા આવેલા કેદીઓની હિસ્ટરી-ટિકિટો (નોંધપોથીઓ) લખતા-લખતા એક-એક હિસ્ટરી-ટિકિટનાં ખાનાં અત્યંત લહેરથી પૂરી રહ્યા છે:

કેદીનું નામ: પીથલ (લાલ અક્ષરે)
ગુનો: ખૂન
સજા: Death મોત

લાલ-લાલ અક્ષરે: ચીપી ચીપીને: સરસ, મરોડદાર, ટૂંકો રસભર્યો ભવ્ય, એક જ શબ્દ: પાંચ મોતીના દાણા જેવા અક્ષરો:

Death: મોત.

બીજી હિસ્ટરી-ટિકિટો કરતાં ફાંસીવાળાઓની નોંધપોથીઓ લખવાનું એને સહેલું લાગતું હતું. એમાં એને લાંબી લાંબી વિગતો પૂરવી નહોતી પડતી. રાતા અને કાળા, ચોખ્ખા અને છૂટાછવાયા, ચારેય જાતની એ-બી-સી-ડીના જૂજવા અક્ષરો વેરીને એ પોથીઓમાં જાણે એ ફૂલછાબ ભરતા અને મૃત્યુદેવને છૂપી ઊંડી કોઈ ભક્તિભરી ઊર્મિથી અર્પણ કરતા.

આ જાતનો છૂપો આનંદ ઘણો સૂક્ષ્મ છે. પ્રત્યેક માનવીના દિલની ક્યારીમાં ફૂટેલો એ હિંસાનો અંકુર છે. એમાંથી જ વૃક્ષો વધે છે – એ સૂબેદારો, જેલરો, સુપરિન્ટેન્ડેન્ટો અને ફાંસીનાં પાટિયાંનો હાથો ખેંચનાર જલ્લાદો. રાજકેદી ભાઈ ! એ બધાંને ઘડનારાં કોઈ કારખાનાં નથી ચાલતાં. મને તો એમ લાગે છે કે તમારા જેવાની કાવ્ય શણગારેલી આ છૂપી


122
જેલ ઓફિસની બારી