પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારું દેહપિંજર: લોઢાના સળિયાની બનેલી મારી પાંસળીઓ : તેની ઉપર પણ પાછી લોઢાની નસો જેવી તારની જાળી : આખા દેહમાં ક્યાંય છાંટો લોહી ન મળે, કે ન મળે લોચો માંસ : ન મળે આંખો, કે ન મળે છાતી. ફક્ત જાણે એકલું દાંતવાળું મોટું અને તળિયા વગરની હોજરી.

સવાર પડ્યું છે. મારી પાંસળીઓની આરપાર ઠંડો પવન ફૂંકાય છે. ફૂંકો જોરથી. હજુ વધુ સુસવાટા લગાવો. જુઓ પેલા કાળમુખા કેદીઓની કતાર ચાલી જાય છે જેલની બહારની મજૂરી ખેંચવા. જુઓ, એની છાતી ઉપર તો ચામડી છે. ચામડી ઉપર પાછાં કૂડતાં છે. તો જાણે પવન એનાં ખોળિયાંની આરપાર શારડી-શો છેદ પાડતો પરોવાઈ જાય છે. જુઓ-જુઓ, કાળી ટોપી, લાલ ટોપી, લાલ-કાળી ટોપી, ધોળી ટોપી, પીળી ટોપી : ટોપી ! ટોપી ! ટોપી ! તેની પાછળ ડંડા મારતી પીળી પગડી : તેની પાછળ ખાખી વેશવાળી ચાબુકદાર ચોકીદાર : ચોકીદારનાં ચકચકતાં ચગદાં ઉપર પણ તાળું અને ચાવી કોતરેલાં ! જુઓ, માનવ-પશુઓનાં ટોળાં ચાલ્યાં જાય. બેડીઓનાં ઝંકાર બોલે છે. ચાવીઓ અને તાળાં ચીં-ચીં કરે છે, જૂની વાર્તાઓ માંહેલી કોઈ નજીવા નગરીમાં ટૂંઢા રાક્ષસને રાજદરબારે જાણે નાટારંભ થાય છે.

જાવા દો બેટાઓને. બપોરે તો હું આંહીં મારા ખોળામાં એમાંના કંઈકને પોસપોસ આંસુડે રોવરાવીશ. ભલે જાય ભલે છૂપી બીડીઓ પીએ; પગે બાંધીને છૂપી બીડીઓ છોને જેલની અંદર લઈ આવે ! હું ડાકિની છતાં સ્ત્રીજાત હોવાથી ન બોલી શકે તેવી ગલીચ ચાલાકી કરીને ભલે તમાકુ, ગાંજો ને અફીણ એની બુરાકોમાં ચોરી લાવે; મારો વારો તો બપોરે છે ને !

બપોર તપતા આવે છે. મારી ભૂખતરસની જ્વાલા વધતી જાય છે, મારું જઠર ‘આંસુ ! આંસુ !’ અને ‘નિઃશ્વાસ ! નિ:શ્વાસ !’ એમ ભોજન માટે પોકાર કરી રહ્યું છે. ઓ ડંડાખાન ! ઓ પીળી પગડીવાલા દીનમહમદ! હવે તો મુલાકાતવાળાઓને તેડી લાવ. જો, એનાં ત્રણ-ત્રણ મહિને આવેલાં સગાંઓ બહાર તાપમાં ટળવળે છે. તું તો ખૂની છે. બુઢ્ઢો છે. તોયે રહમદિલ છે. તારે તો ત્રણ વર્ષ પછી છૂટીને શાદી કરવી છે ને !


4
જેલ-ઑફિસની બારી