પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“હાં સાબ ! શાદી ક્યોં ન કરે ! જરૂર કરેંગે !”

વાહ ડંડાખાન, તો બોલાવી લે મુલાકાતવાળાઓને અને એની દુવાઓ ભેગી કર, ભાઈ ! હું કંઈ તારા ભલા સારુ કહું છું કે દયા ખાતર કહું છું એમ ન માનતો. હું તો ચીસો પાડું છું, કેમ કે મારે તો મારું જઠર ભરવું છે; મારે આ ચોરડાકુઓના નિઃશ્વાસ, હાહાકાર અને હૈયાફાટ વિલાપની ઉજાણી માણવી છે.

ડાંગીવાળા બારૈયાઓ, ધીંગાધીંગા ધારાળાઓ, લૂંગી પહેરેલા મુલસમાનો, સુરમેભરી કાળી આંખો અને વાંકડિયાં ઓડિયાંવાળા પઠાણો : આ કોઈ નવાં ઓઢણાં પહેરીને આવેલી નવયૌવનાઓ, અને લીરા લીરા થઈ ગયેલ સાડલામાં અંગની એબ ઢંકીને ઊભેલી બચરવાળ ઓરતો : આ મેલાંઘેલાં છોકરાં અને નવી આંગડી પહેરીને બાપને મળવા આવેલી કોઈક છોકરીઓ : હા-હા-હા-હા ! કેવાં એ બધાં મારી સામે મેંઢાં બનીને ઊભાં છે ! આ શેરબહાદુરો ટકીટીકીને મને જોઈ રહેલ છે. દિલમાં થાય છે કે એ તમામને ટગવવા હું થોડી વાર મારાં બારણાં બંધ કરી દઉં, અને પછી એ સહુની આજીજીઓ ને ચીસોમાંથી ઊઠતું મીઠું સંગીત સાંભળું. પણ ત્યાં તો –

આવો કસળાજી બારૈયા ! આવો રૂપસંગ ભીલ ! આવો-આવો મિયાં જમાલુદ્દીન ! આવો ઠાકરડા ગેમાજી !

– ચારપાંચ કેદીઓને લઈને ઠંડાખાન આવી પહોંચ્યા.

તમે પાંચેય જણા અહીં મારી પાસે જ ઊભા રહો. નહિ, નહિ, મારી બાજુમાં બીજી બારી છે ત્યાં નહિ જવાય. ત્યાં કેમ દોડ્યા જાઓ છો, ગમારો ? ઓ મુકાદમ ! મારો, મારો એને બે-ચાર તમાચા, અને પાછા મારી પાસે ધકેલો. સાન નથી એ જંગલીઓને કે એ બારીના સળિયા આડી મારા જેવી તારની જાળી ક્યાં ગૂંથેલી છે ! પણ હું તમારી લુચ્ચાઈ સમજું છું. તમારે તો એ બારીના નર્યા સળિયામાંથી સગાંવહાલાંનાં મોં ચોખ્ખેચોખ્ખાં જોવાં છે, ખરું કે ? મારી જાળીમાંથી તમને એકબીજાનાં શરીર ટુકડા-ટુકડા દેખાય છે તે નહિ ગમતું હોય ! તો ગુનો શીદ કર્યો ? ગુનો નથી કર્યો, તો પૂરા


આંસની મહેફિલ
5