પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાક્ષીપુરાવાથી બચાવ કાં ન કર્યો ? બિચારા મૅજિસ્ટ્રેટની તથા પોલીસની બચરવાળ સ્થિતિનો વિચાર પણ ન કર્યો ? શા સારુ તમે સીધેસીધી જુબાની આપી દીધી વારુ ?

માટે ચૂપ બનીને અહીં ઊભા રહો. ઓ મુકાદમ ! પેલો પાંચમો ગેલિયો આવ્યો, તેને પણ આ ચારની વચ્ચે ઠાંસી દે. સમાતા નથી ? તો પછી શા સારુ એનાં શરીરો એટલાં બધાં જાડાં રાખેલાં છે ? રસોડામાંથી તેલ હમણાં કેમ ઓછું ચોરાય છે ? સાંજની ભાજીમાં શકરિયાનાં કોઈ-કોઈ બટકાં પણ શા સારુ રહેવા દો છો ?

હાં, કરો હવે વાર્તાલાપ. તમારી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારી પાંચની સામે પચીસ જણાં મુલાકાતિયાં ઊભાં છે. તમારી અને એની મળી ત્રીસ જીભ બની. વાહ વાહ ! ચીડિયાખાનામાં જાણે ચીંકાર ચાલુ થયા. બોલો બોલો, જે પૂછવું હોય તે પાંચ મિનિટમાં પૂછી લો. જવાબ પકડવાની પરવા ન કરો. સામાં પચીસ જણાં જવાબ આપે તેમાં મારો શો ગુનો ?

ક્ષુધાતુર જીભો જાણે ખાઉંખાઉં કરતી હોય તે રીતે ચિત્કાર કરે છે. મજા આવે છે. કોઈ કોઈનું કામ પડ્યું સંભળાય જ નહિ. એ તમામ ચોંકારોમાંથી એક નવી ભાષા સરજાય છે. ફૂલઝરમાંથી ઝરતા રંગો સમાન એ શબ્દો –

“મારા બરધિયા શું કરે છે ? એ કાકા, મારા બરધિયાને બરાબર ચારજો હો કે ! હું છ મૈને બા’ર આવીને ખેતરડાં ખેડી નાખીશ. હું તૂટી મરીને પણ તમારાં નાણાં ભરી દઈશ. પણ મારા બરધિયાને ચાર નીરજ હો ! એને ભૂખ્યા રે’વા દેશો મા !”

આહાહા ! એટલું કહેતાં તો ગેમો બારૈયો રડી પડે છે.

ઓ મુકાદમ ! નજર રાખ. આ કેદી મુલાકાત કરવા આવ્યો છે કે રડવા ? માર ડંડો ને કાઢ પાછો.

પગે લાગે છે ? આજીજી કરે છે ? ‘ભાઈસાબ, હવે નહિ રડું’ એમ કહે છે ? તો ઠીક, છો ઊભો.

સામેથી સગાંવહાલાં જવાબ વાળે છે કે “તું હેમત રાખ્ય! હેમત


6
જેલ-ઑફિસની બારી