પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાખ્ય ! મરદ છો કે બૈરું ! હું બા’ર જીવતો બેઠો છું તાં લગી તારા બરધિયાને શો વાંધો છે ? હેમત રાખ્ય ને સજા ભોગવી કાઢ્ય, ભૂંડા !”

ઘૂમટો કાઢીને પેલી રૂપસંગ ભીલની બૈરી ઊભી છે. એકબીજાને નીરખે છે. અરે, ડાઘો રૂપસંગ ભીલ પણ રડી પડે છે ! શાબાશ, મારા પથ્થરો રૂપસંગ ભીલને આંસુડે ભીના થયા, એ મારો વિજય કંઈ જેવો તેવો છે ? સાવજ સરખો રૂપસંગ ચોધાર આંસુડે પેલી ઘૂમટાવાળીને કરગરે છે કે “અરે ભૂંડી, ત્રણ-ત્રણ મૈનાની મુલાકાતમાં પણ તું ના આવે ! મોઢુંય ન બતાવે ! મારાં છોકરાંની ખબરેય ના આલે ?”

“શું કરું ?” ઘૂમટાવાળી ૨ડતી-પડતી કહે છે : “રેલભાડાનાં નાણાં નૂતાં, તે મેં મારાં કડલાં મેલીને ભાડું જોગવ્યું. અને દીચરી તો પંદર દી પેલાં માતામાં ગુજરી જઈ –”

– અને રૂપસંગની આંખોએ ઝરા વહેતા મૂક્યા.

મુકાદમ ! ઓ મુકાદમ ! આ રડે છે, મુલાકાતમાં રડે છે ! લગાવ એને ધોકલા. એની બૈરી દેખે તેમ લગાવ. જોજો મોટો મુછાળો થયો છે અને રડે છે ! મારો એને, પાછો કાઢી મૂકો.

બારણાં સુધી જઈને વળી એ કેમ ઊભો રહે છે ? ત્યાં દૂરથી બીજી બારી સોંસરવી નજર માંડીને કેમ એ એની બૈરીને જોઈ લે છે ? એની મુલાકાત પૂરી થયા પછી એનાથી આવું તારામૈત્રક થઈ શકે કે ? કાયદો શા માટે શિથિલ કરી મૂકો છો, મુકાદમ ? આ તે જેલ છે કે બૈરી સાથે પ્રેમની નજર ખેલવાનું ભીલડાંનું ખેતર છે ? દીચરી મરી ગઈ તેમાં આંહીં શાનો રડવા બેઠો ? બહાર નીકળે તે દા’ડે પોક મૂકી મૂકીને દીચરીને સંભારજે ને !

શા સારુ આવી મુલાકાતો જ થવા દેવી ? હવે ચાર દિવસ સુધી રૂપસંગ ભીલડો સરખું કામ નહિ કરી શકે. તમે મારી મારીને તે એને કેટલો મારશો ?

સાંજના ઓળા ઊતરે છે. પચીસ જણાની આવી મુલાકાતો પતી જાય છે. કેદીઓની ચોપડીઓમાં ‘ત્રૈમાસિક મુલાકાત આપી’ તેવી છાપ છપાઈને જેલરની સહી થઈ જાય છે. રાત્રિના અંધારામાં હું એકલી પડીને


આંસની મહેફિલ
7