પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છોકરી ‘મા ! બાપો !’ ‘માડી ! બાપો !’ કરતી મારા સળિયાને બાઝી પડી. એની આંગળીનાં ચારપાંચ ટેરવાં મારી જાળીનાં છિદ્રોમાંથી અંદર ડોકાયાં. મને મનમાં હતું કે આંગળીઓને કરડી જાઉં. પણ તમે માનશો ? મારા લોઢાના સળિયા જાણે ઊલટાના ઓગળી જઈ ટપકી પડશે એવું મને લાગ્યું. એમાં પણ વધુ ભય તો મને ત્યારે લાગ્યો, જ્યારે વાલિયાએ પીઠ પછવાડે હાથ રાખવાનો કાયદો વીસરી જઈને એ છોકરીનાં ટેરવાંને લગરીક પોતાના હાથ અડકાડ્યા.

હાય હાય ! હું ખરું કહું છું કે એ બાપ-દીકરીનાં આંગળાંના સ્પર્શે મને હતી – ન હતી કરી નાખી હોત. મારા લોઢાને તો એ સ્પર્શમાંથી કોઈ અસહ્ય મમતાનો પ્રવાહ ઝરતો લાગ્યો. પણ એ કાયદા વિરુદ્ધનું કરતુક મુકાદમે વખતસર પકડી પાડ્યું, અને પછી તો – હિ ! હિ ! હિ ! હિ ! હિ ! હિ – હસવું ખાળી શકતી નથી. વાહ ! કેવા જોરથી મૂકાદમે વાલિયાના માથા પર અડબોત લગાવી ! અને કેવા ફક્કડ શબ્દો કહ્યાઃ “સાલા ! તું આંહીં પણ તારી ચાલાકી નથી છોડતો ! તારા બાપનું ઘર છે આંહીં, તે છોકરીની આંગળીઓ પંપાળવા મંડી પડ્યો ! એટલું બધું હેત ઊભરાઈ જાય છે ત્યારે ચોરી શા સારુ કરી ! ચાલ ! પીછે હાથ ! દૂર ખડો રહે !”

માથા પરથી પડી ગયેલી ટોપી ઉપાડીને પગે લાગતો વાલિયો કંઈ સમજ્યો જ નહિ કે એણે પોતે કેવો ગંભીર નિયમભંગ કર્યો હતો. એ મારાથી એક હાથ દૂર ઊભો રહ્યો. શું થયું તે કશું જ સમજ્યા વગર બહાર ઊભેલાં મા અને દીકરી પણ સ્તબ્ધ બની ગયાં. મારી બન્ને બાજુએ, અંદર તેમ જ બહાર, ફક્કડ હસાહસ ચાલી. બધા જ આ તમાશો દેખીને રાજી થયા. વાલિયો તો એટલો બધો હેબતાઈ ગયો કે મુલાકાતની મિનિટો ચાલી જતી હતી છતાં બાયડીની સાથે એક બોલ પણ ન બોલી શક્યો. કશુંક કહેવું હતું તે તમામ ભૂલી ગયો. હાથ પછવાડે રાખવાની સાથોસાથ જીભ પણ, મોંમાં રહી ગઈ. વાલિયો બાઘા જેવો બની ગયો.

“માડી, બાપો ! માડી, બાપો !” એમ કહેતી એ ગોબરી છોકરી માના હાથમાંથી મારા સળિયાને બાઝવા તરફડતી હતી. મા એને જકડી રાખતી


વાલિયાની દીચરી
11