પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતી. ત્યાં તો, “ચલે જાવ ! ચલે જાવ ! લે જાવ ! મુલાકાત હો ગઈ !” એવો મુકાદમનો હુકમ થયો. પણ વાલિયાએ બીજી ભૂલ કરી. પાછે પગલે મારી પાસેથી ખસતાં-ખસતાં એણે છોકરીને, જીભ વતી ડચકારા – ગોવાળ બકરાંને જેવા. ડચકારા કરે તેવા ડચકારા – સંભળાવ્યા. અને ફરી વાર પાછી મુકાદમની થપ્પડ ખાધી.

અરે વાલિયા ! હું પૂછું છું કે તને આવી ગોબરી કદરૂપી છોકરી ઉપર શા સારુ આટલું બધું વહાલ ઊભરાયું ? તારી દીકરીનું મોં ક્યાં ગુલાબના ગોટા જેવું હતું ? ક્યાં એના માથા ઉપર સેંથો પાડીને ઓળેલા ‘બોબ્ડ’ વાળ હતા ? ક્યાં એણે આસમાની રંગનું ફરાક અને લીલાં મોંજાં પહેર્યા હતાં ? એ ક્યાં કાલુકાલું મીઠું બોલતી હતી ? હું તો અજાયબ થઈ રહી છું કે તમારા જેવા ભયંકર ગુનેગારોનાં હૈયાંમાં પણ આટલી બધી કુમાશ ક્યાંથી ? ગેમાજી બારૈયો એના બરધિયાને સંભારીને રડ્યો, રૂપસંગ ભીલડો એની કાળુડી વહુને દેખીને પીગળી ગયો, તું વાલિયો ઊઠીને આજ ગંધાતી છોકરીની મેલી આંગળીઓની માયામાં ફસાયો: એ તે શું કહેવાય ? તમનેય શું સંસારી સ્નેહ આટલા બધા વળગ્યા છે ? તમને ઘરબાર અને ખેતરઢાંઢા સાથે કેમ આટલી ગાઢ મમતા બંધાઈ છે ? તમારી વિકરાળતા શું બહારની જ છે ? પ્રેમ નામની પોચી માટી શું તમારા પાષાણી સીનાની પછવાડે પણ પડી છે ? ત્યારે તો તમે સાચા ઘાતકી નહિ, જૂઠા ! જૂઠા ! જૂઠા ! ક્રૂરતાનો તો તમે દેખાવ જ કરો છો. તમારી કાળાશ છેતરામણી છે.

એ બધું મારા જેવું જ. કોઈને કહેશો નહિ હો ! હું પણ એટલી જ પોચી છું. હું જેલની બારી હોવાથી જૂઠંજૂઠો દમ રાખું છું. નિર્દયતાનો દમામ બતાવીને હું અંદરથી મારી કૂણપને કચરવા મથું છું. મનમાં માનું છું કે રોજેરોજ આવા હૃદયવિદારણ દેખાવો દેખાદેખીને હું નિષ્ફર બની જઈશ. આ મુકાદમોની માફક. પણ અરેરે ! મુકાદમો તો માનવીઓ છે. માનવીઓ તો જેવી ધારણા રાખે તેવાં બની શકે છે. પણ અમે લોહ-પથ્થરનાં પ્રાણીઓ ખરે ટાણે ટક્કર ઝીલી શકતાં નથી, અમારાં હૈયાં ભાંગી પડે છે. આજ વાલિયા કોળીની અને એની ગંધાતી પુત્રીની આંગળીઓ અડકી હતી ત્યારે


12
જેલ-ઑફિસની બારી