પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેમાં જાણે કોઈ જુગજુગનાં વિયોગી પિતા-બાળકની મિલન-જ્વાલા સળગી ઊઠી હતી. મારા સળિયા એ અંગારની ભઠ્ઠીમાં પ્રવાહી બનીને રેલાઈ જાત. સારું થયું કે મુકાદમની દૃષ્ટિ વખતસર પડી.

હજુ મને એક મોટો ભય છે. વાલિયો મારા ખોળામાં રડી ન પડ્યો એ વાત સારી ન કહેવાય. આંસુડાં દડ્યાં હોત તો મારી મૂડી વધત અને તેનું હૈયું ખળખળી હળવું બની જાત. એ ન બન્યું, એટલે હવે વાલિયાને રાતે સ્વપ્નમાં દેખાશે. એ ઊઠી ઊઠીને આખી રાત જાણે મુલાકાત આવી હોય તેમ બુરાકની અંદર દોડશે અને ચીસેચીસ પાડશે. મુકાદમોને દોડાદોડ થઈ પડશે. ઠંડીમાં સૂતેલા વૉર્ડરોને એવે ટાણે ત્યાં જઈ ચાબુક ચલાવવો પડશે. એટલી બધી તરખડ !



વાલિયાની દીચરી
13