પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




હરખો ઢેડો

લદી બોલાવો, હરખા ઢેડાને તાકીદથી તેડી લાવો, એની વહુ મુલાકાતે આવી છે. ત્રણ મહિનાથી હરખો ઢેડો ઝૂરે છે. એ પાગલ બની જશે.

આ હરખો આવ્યો. જાણે પાંચ ગાઉની દોડ કરીને આવી પહોંચ્યો હોય તેટલા બધા થડકારા એની છાતીમાં ચાલી રહ્યા છે. એ ફાંકડા જુવાનના માથા પર ફક્ત પીળી જ ટોપી હતી એમ ન માનશો. ટોપી અરધી કાળી હતી ને વળી અરધી પીળી હતી. હરખા ઢેડાની આ બીજી વારની જાત્રા હતી એટલે કાળો રંગ; અને દસ વરસની સજા હતી તેનો પીળો રંગ.

પણ હરખાને દસ વરસની શી પરવા હતી ! એને તો છેલ્લા ત્રણ મહિના જ જન્મટીપ જેવા દોહ્યલા ગયા હતા, કેમ કે એની ઓરતે કોઈ બીજાનું ઘર માંડ્યાની વાત એણે સાંભળી હતી. મારી આરપાર જ્યારે એ બેઉ જણાંની આંખો મળી ત્યારે જાણે કે એ ચારેય આંખો વચ્ચે પ્યાર શોષવાની નળી સંધાઈ ન ગઈ હોય, તેમ ધોધેધોધ અશ્રુધારા વહેતી હતી. અને હરખો વલવલતે કંઠે કહી રહ્યો હતો કે “અરેરે ! તેં મને ખબર પણ ન લખ્યા ? તું મને પૂછવા પણ ન રોકાઈ ? તું મને જીવતો મેલીને બીજાને ગઈ ?”

સામેથી હરખાની જુવાન માશૂક જવાબ આપી રહી છે: “હું શું કરું ? દસ વરસનો ગાળો હું ત્રણ છોકરાંને લઈને કેવી રીતે વટાવું ! પેટગુજારો કરવાની કોઈ દશ્ય સૂઝતી નો’તી તેથી જ હું પારકાની ઓથે ગઈ છું. પણ તું નીકળીશ કે તરત જ હું પાછી તારી થઈ જઈશ. તું મૂંઝા મા !”

“હેં ! સાચેસાચ તું મારી થઈશ ?” હરખા ઢેડાની ત્રણ મહિનાની માંદગી એક પલકમાં ચાલી ગઈ. એના મોં ઉપર લાલચટક લોહી ચડી આવ્યું, “તું મારી થઈશ ?”


14
જેલ-ઑફિસની બારી