પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેલ અને મસાલા કોઠારમાંથી નીકળી, વીશીમાં જઈ શાકદાળમાં પડે તે પહેલાં તો બીજી અનેક પેટા-નળીઓ એને પોતાના તરફ વાળી લે છે, અને કેદીઓનાં તાંસળાંમાં પહોંચે છે ત્યારે તો એ જળ-નિમગ્ન શ્યામસ્વરૂપ ભાજીમાં કોઈ-કોઈ હીરાકણીઓ જેવાં તેલ-બિંદુઓ તરતાં હોય છે, ને કોઈકને કોઈક મરચાંની કણીઓ, નવયૌવનાઓના લલાટની ઝીણી કંકુટીલડીઓ જેવી, ઝળક-ઝળક થતી હોય છે. પણ મૂરખ કેદીજનો એકબીજી ઇંદ્રિયો વચ્ચે કૃત્રિમ ભેદો રાખી રહ્યા છે ખરા ને, એટલે બાપડાઓ પોતાની જીભની લોલુપતાને આંખોનાં દર્શન થકી સંતોષી શકતા નથી. તમારી પરમ બોધ-સુધાનું શ્રવણપાન કરતાં છતાં તે ગમારો ભાજીમાં ભળેલા ધુમાડાની દુર્ગંધને ભૂલી શકતા નથી. એ તમને વીનવું છું કે “અમને સારી ભાજી મળે તેવું કરી આપો ને, ભાઈ સાહેબો !”

ઉપદેશક ધર્માત્માઓની પાસે સંસારી ગંધાતી ભાજીની વાત કરવી, એ કેવી બેવકૂફી ! સુવર્ણ વેચનારા શું બકાલું તોળવા બેસે ? સ્વર્ગની સીડી બતાવવા જનારની પાસે પણ ‘ખાઉં ! ખાઉં !’ કરવાની જ વાત ? ભાજી ગંધાતી હોય, ઇયળો અને લીમડાંના પાદડાંથી ભરેલી હોય, તો તેથી શું થઈ ગયું ? શરીરમાં ગયા. પછી શું એ ભાજી નથી ગંધાઈ જવાની ? ભાજીમાં ધુમાડો બેસી જાય છે તો તેથી શું ? સંસાર પોતે જ શું એક ધુમાડાનો માયાવી પુંજ નથી ?

પણ ઓ ઉપદેશક સાહેબો ! હું તો સમજું છું; રોજરોજ મારી સામે ટોળે વળતાં મુલાકાતિયાંની વાતો, અશ્રુધારો, વેદનાઓ અને મૂંઝવણો પરથી હું તો સમજું છું કે આમાંના ઘણાખરા હજું તો ‘ખાઉં ! ખાઉં !’ની જ ક્ષુદ્ર દુનિયામાં સબડી રહેલ છે. રોટલો મેળવવાના જ આ તરફડાટો છે. અંગો નિચોવી-નિચોવીને, હાડપિંજરો બની-બનીને પણ એ જ્યારે રોટલો પામતાં નથી ત્યારે પછી આત્મા જેવા અમૂલખ હીરાને તેઓ વટાવે છે, ચોરી કરે છે. અરેરે હાડકાના માળખાને સારુ, મળમૂત્રના કંપા જેવા આ શરીરને સારુ એ પાપિયાઓ આત્માને વેચે છે, ચોરી કરે છે. પારકાના ખેતરને શેઢે


18
જેલ ઑફિસની બારી