પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“મળવા દો, સા’બ ! આંઈ કિયાને જીવવું છે? હું જાણું છું કે મારું મોત આંઈ જ માંડેલું છે. પણ મારી ઓરતને તો હું પાછી લાવવાનો જ લાવવાનો.”

આવો વિકરાળ, ઝનૂની, ઓરતને પોતાની મિલકત માનનાર હરખો. 'હું તારી બનીને પાછી આવીશ’ એ એક જ બોલથી બદલી ગયો. નવ વરસ પછી જે પાછી આવવાની છે તે કેમ જાણે અત્યારથી જ પોતાની બાથમાં સમાઈ હોય એવી સુખલહરીઓ એના અંતરમાં વાય છે. ઓ હરખા ! તું કેટલો કમઅક્કલ છે ! હિંદુ ભરથાર તો મરી ગયા પછી સાતમી નરકે બેઠોબેઠો પણ પોતાની, પૃથ્વી પર પડેલી સ્ત્રી પાસે સતીત્વ પળાવે છે. અંધારે ખૂણે એક વર્ષ પર્યંત એને બેસારી રાખે છે, પછી એના હાથનાં કંકણ ભંગાવે છે, માથાના કેશ છોલાવે છે, નાકની ચૂંક ખેંચી કઢાવે છે, કપાળનાં કંકુ લુછાવે છે, સેંથાનો હીંગળો ભૂંસાવે છે, ને મૃત્યુ પર્યંત પોતાના જ જાપ એ બાયડી પાસે જપાવે છે. એનાં સગાંવહાલાંને, દેવદેવલાંને, જ્ઞાતિજનોને, સહુને એ ભલામણ કરતો જાય છે કે, ખબરદાર ! મારી પરણેલી બાયડીને એ ભૂખે મરતી હોય છતાં એનું પતિવ્રત છોડવા દેશો નહિ ! આવતે અવતાર પાછો હું એને પવિત્ર દેહે સ્વીકારી શકું તે સારુ એનાં મસ્તક-મુંડન અને ઇંદ્રિયદમન ચાલુ રખાવજો.

આવા હિંદુ મૃતપતિને મુકાબલે તું કેટલો પામર અને ગમાર છે, ઓ હરખા. ઢેડા ! તું શું જોઈને સુખની છોળોમાં નાચી રહ્યો છે? નવ વર્ષો પછીની વાતનો આટલો વિશ્વાસ શો ? અને એટલા સમયાન્તરમાં તેં શું જોઈને એને બીજો સ્વામી કરવાની રજા દીધી ? પેટગુજારાને ખાતર દેહ ભ્રષ્ટ કરવાની પરવાનગી દીધી? એ કરતાં તો દેહ પાડી નાખવો શું ભુંડો હતો ! તારી બાયડી મરી જાત તારાં ત્રણ છોકરાંનું ટૂંકું પતી જાત: પણ, સરવાળે પેલી જુગજુગની જૂની કવિઓએ કરેલી અને શાસ્ત્રીએ પળાવેલી સતીત્વની ભાવના તો સજીવન રહેત ને રામચંદ્રે પોતાની મહાસતી જાનકીને પણ આગ સોંસરવી કાઢ્યા વગર ક્યાં ઘરમાં ઘાલી હતી? ને પછી કોઈ


20
જેલ ઓફિસની બારી