પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





સહુનો ‘સાલો’

લાગી પડી છેઃ અમારા કાળુડા કારકુન અને જમાલ કેદીની વચ્ચે ઠીક લડાલડી લાગી પડી છે આજ સાંજે. સારું થયું કે મારો દિવસ છેક ખાલી જતો નથી. ને ઑફિસમાં જ્યારે કોઈ જ નથી હોતું ત્યારે મને એકલા-એકલાં બહુ બીક લાગે છે. હું ભલભલા ખૂની-ડાકુઓનાં આંસુ નિચોવનારી બુઢ્‌ઢી, પણ એકાન્તથી તો થરથરી ઊઠું છું. એટલે સારું થયું કે આજ સાંજવેળાની મારી આ સૂમસામ દશા તૂટી અને અમારા કાળા કારકુન તથા જમાલ કેદી વચ્ચે જામી પડી.

જમાલ કેદી આવતી કાલે છૂટે છે. એટલે અત્યારે એ એનાં લૂગડાંલત્તાં લેવા, એના અંગૂઠાની છાપો દેવા અને એના શરીર ઉપરનાં ચહેરા-નિશાન ઓળખાવવા આવ્યો છે. હવે આ જમાલ ડોસો અત્યારે કેટલું હડહડતું જૂઠું બોલીને અમારા કારકુનસાહેબનું માથું પકવી રહ્યો છે. પચીસ-ત્રીસ ખાનાંવાળું એક કબાટ ઉઘાડી, તેની અંદરના એક પાનામાંથી એક પરબીડિયું કાઢીને કારકુનસાહેબ ટેબલ પર ઠાલવે છે. તેમાંથી એક પાવલી અને એક પૈસો નીકળે છે. ત્રીજી નીકળે છે એક રૂપાની હાંસડી, જમાલ ડોસાને એ કહે છે કે “લો, યે તુમરા કૅશ-જ્વેલરીઃ સવા ચાર આને, ઔર યે રૂપેકી હાંસડી.”

જમાલ ડોસો કહે છે કે “નહિ સાબ, મેરે તો પાંચ રૂપૈયે ઓર સવાચાર આને થે, ખાલી સવા ચાર આને નહિ.”

“એસા ! સાલા, એસા !” કારકુનસાહેબથી આ જૂઠાણું શે સહેવાય? “સાલા, હમ જૂઠા? હમારી દો નંબરકી ‘કૅશ-જ્વેલરી’કી કિતાબ ભી જૂઠી? ઔર સાલા-તુમ એક કેદી સચ્ચા?”


22
જેલ ઓફિસની બારી