પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાંચ જ મિનિટમાં ઉતારી નાખી. જમાલ ડોસાને એણે બરાબર ભાન કરાવી દીધું કે સાલા ! તું બોલે તે કદી સાચું હોય જ નહિ. તારે હવે સાચું બોલવાની કશી જરૂર જ નથી રહી. તારું કોઈ સાચું માનશે જ નહિ. ધાર કે મારી પહેલાંના બાંડિયા કારકુને તે દિવસે તારી પાસની ‘કૅશ-જ્વેલરી’ સંભાળી લેતાં હળવેક રહીને પેલી નોટ ગજવામાં મૂકી દીધી હોય અને પરબીડિયા પર ફક્ત '૦-4-3 તથા એક હાંસડી કિંમત પૈસા બેની’ એટલું જ ટપકાવ્યું હોય, તો તેથી પણ તને શો હક્ક મળે છે અત્યારે આ હુજ્જત કરવાનો કે – “ગરીબપરવર! મેરી પાંચ રૂપૈકી નોટ થી” વગેરે વગેરે !

દેખીતી જ વાત છે કે વીસ રૂપિયાનો પગાર ખાનાર સરકારી કારકુન જૂઠો અને પોતે સાચો, એવું આ શહેરની બજારમાં વૈતરું કરનાર જમાલ ડોસો માની જ કેમ શકે? પોતે પાંચ રૂપૈયાની નોટ આપી હતી એવી પોતાને સો ટકા ખાતરી હોય, તોપણ પોતે એટલું તો સમજવું જ જોઈએ ને કે પોતાની ખાતરી એ તો આખરે એક ગુનો કરનાર ગરીબ મજૂરના મનની ખાતરી થઈ ! એ ખાતરી શી રીતે ખરી હોઈ શકે?

અમારો જેલર કેટલીક વાર આ કારકુનસાહેબોને અવળી વિદ્યા ભણાવે છેઃ એ કોઈ-કોઈ વાર તેઓને કેદી પ્રત્યે પેલી ગૌરવભરી અને વીરતાભરી ‘સાલા-વાણી’ વાપરતા સાંભળે છે ત્યારે કહે છે કે સજા પામીને આવનારા તમામ કેદીઓ સાચેસાચા ગુનો કરનારા જ છે એમ તમે શા માટે, માની લો છો ? અથવા એક વાર ગુનો કરી આવેલ કેદીને માટે બસ હવે કદી પ્રામાણિક જીવન જીવવાનો હક્ક નથી, એના અંતઃકરણમાં ઈશ્વર નથી, એને કશી ઇજ્જતઆબરૂ નથી, એવું કેમ માની લઈને એનાં ગલીચ અપમાનો કરો છો ?

આવી અવળી વિદ્યા ભણાવાતી હશે કદી? તો-તો પછી આ કારકુનોમાંથી કાબેલ જેલરો ઘડાશે શી રીતે ? આપણા વહીવટની સાચી ફત્તેહ તો ત્યારે જ થઈ ગણાય, ઓ મારા જેલરસા’બ, કે જ્યારે હરેક કેદી - શું જનમટીપવાળો કે શું ચાર મહિનાની સજાવાળો – જેલની બહાર પગ દેતાં જ, બસ, એમ જ વિચારતો રહે કે હું હવે જિંદગીમાંથી રદબાતલ


24
જેલ ઓફિસની બારી