પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





દલબહાદુર પંજાબી

મે શા સારુ પેલા જન્મટીપવાળા કેદી દલબહાદુરને એની મા સાથેની મુલાકાત મારી આડશે ન રખાવતાં ખાસ રવિવારે સવારે તમારી ઑફિસમાં કરાવી ? એ મા-દીકરાને તમે પડખોપડખ શીદ બેસવા દીધાં! શું દલબહાદુર તમને સુંદર વણાટશાળા ચલાવી આપે છે અને જાજમ-જલેસાની અજબ કારીગરી ઊભી કરી શક્યો છે તેથી? એની ડોશી ત્રણ-ત્રણ માસે છેક પંજાબથી ન આવી શકે અને આખું વરસ થોડી બચત કરીને છેક બાર મહિને બેટાને મળવા જેટલું રેલભાડું જોગવી શકે છે તેથી? દીકરો વીસ વર્ષથી પુરાઈને ધીરે-ધીરે વૃદ્ધ બની રહેલ છે એ કારણે? અને બુઢ્ઢી મા બીજી મુલાકાત સુધી જીવશે કે નહિ એવી ધાસ્તીને લીધે શું તમે આવી દયા બતાવો છો ? તમારી કરણાવૃત્તિ પણ કેટલી નફટ છે. જેલરસાબ ! શું કરું? હું તમારા પર દાંત કચકચાવું છું. પણ તમને એ મારાં દાંતિયાં સંભળાતાં નથી.

રવિવારનું પ્રભાત પડવાની રાહ જોતી એ પંજાબણ બુઢ્‌ઢી જેલદરવાજા બહાર વડલા નીચે બે દિવસથી રહેતી હતી. પણ આટલું રેલભાડું ખરચીને આવ્યા પછી આ બાર મહિનાની અવધે પણ બુઢ્‌ઢી બેટાની સાથે બહુ કશી વાતો કરી શકી નહિ. પડખોપડખ બેઠેલાં છતાંય મા-દીકરો પરસ્પરની મમતાનો કશો આવિર્ભાવ ન બતાવી શક્યાં. દલબહાદુર ! તારા ચહેરા ઉપર મેં અમસ્તો તો કદી ઉલ્લાસ ન દીઠો. પણ આજ તારી બુઢ્‌ઢી માના મેળાપેય તારા મોં પર હેતનું મોજું કેમ ન ઉછાળ્યું? તારે તો નથી સંતાન કે નથી પત્ની. જે કહીએ તે સર્વસ્વ તારે એક મા છે. એને દર્શનેય તારા દિલદરિયામાં ભરતી કેમ ન આવી?

આખો એ દરિયો જ જાણે કે સુકાઈ ગયો છે. અનંત, અંધકારમય


26
જેલ ઑફિસની બારી