પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારી વગરના સાઈબીરિયન કારાગૃહમાં પુરાવા ચાલ્યું ગયું હતું. એને પણ એના મુકદ્દમા વખતે એની બહેન એક ફૂલની ભેટ આપી ગઈ હતી. એ એક જ ફૂલની યાદને આધારે આ બંદીવાને કેદનાં વીસ વર્ષ વીતાવ્યાં હતાં. એ ફૂલને જેમ તેં ઉતાર્યું તારી વણકરીના કસબમાં, તેમ એણે વણ્યું હતું કવિતાની કારીગરીમાં. તારા જેવડી જ જુવાનીમાં એને કાળું પાણી મળ્યું હતું. ત્યાં બેસીને એણે ગાયું હતું –

શ્લૂસબર્ગના કિલ્લાની મારી અંધારી ખોલીમાં
લોખંડી કાનૂનો અને રોજિંદી કામગીરી વચ્ચે,
હું હેતે હેતે યાદ કરું છું એ રૂપાળાં ગુલાબો,
જે તું લાવી હતી, બહેન !

અદાલતમાં મારા મુકદ્દમાને કાળે
કેવાં સુંદર અને તાજાં એ ગુલાબો હતાં !
કેવા પવિત્ર હૃદયની એ સોગાદ હતી!
એ કાળ-દિવસે જાણે કે,
તારાં ફૂલો મારા કાનમાં કહેતાં હતાં,
પ્રકાશ અને મુક્તિના પેગામો.

તો પછી આ સુંદર ફૂલોનું સ્મરણ કરતાં કહે મને,
શા માટે હું વારે વારે ગમગીન બની જાઉં છું?
તારી પ્યારી આંખોમાં ડોકાઈ રહેલ એ પ્યાર,
શું મને ખુશહાલ અને સુખમય નહોતો કરતો ?

પણ હવે તો તારાં આલિંગનો
મારે અંગે અડકતાં નથી.
કાળી નિરાશા મારા પ્રાણને રૂંધી રહી છે,
જેલરની આંખોથી હું અળગી પડું છું ત્યારે-ત્યારે
હું ધ્રુસકે-ધ્રુસકે રડું છું, ને મારાં આંસુઓ


દલબહાદુર પંજાબી
29