પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નિવેદન
[પહેલી આવૃત્તિ]


કાળાં પાણીની સજાઓથી લઈ ત્રણ મહિનાની જેલ-મહેમાની સુધીનું બહોળું મેદાન કારાવાસના સાહિત્યને મળતું રહ્યું છે; અને લખનારાઓ પણ બારીન્દ્ર ઘોષથી માંડી છેક જ સામાન્ય કક્ષા સુધીના એ સાહિત્યને સાંપડેલા છે. લખાવટના સૂર તો સિલોન, સાઈબિરિયા અને સાબરમતીની જેલોને વિશે લગભગ સરખા જ – પંચમ સૂરો જ – બજાવવામાં આવે છે: ‘ઓતરાતી દીવાલો’ જેવા તો માત્ર અપવાદો છે.

જેલ-વહીવટનો એકંદર વિરોધ કરવા ઊઠનારી લડાયક વૃત્તિ પોતાના હથિયાર તરીકે જ્યારે કલમ ચલાવે છે ત્યારે આ ‘પંચમ સૂર’ બેશક અનિવાર્ય બની જાય છે. પ્રચારકાર્ય, ખાસ કરીને રાજદ્વારી પ્રચારકાર્ય, તો એક પ્રચંડ વંટોળ જેવી વસ્તુ છે. ધ્વંસની નોબતો જ્યારે ગગડે છે ત્યારે તેથી કોઈ એક બીનકારના કોમલ બીન-સંગીતમાં ભંગ પડી જાય તેની ખેવના ધ્વંસના દેવને નથી હોતી – ન જ હોઈ શકે. રાજદ્વારી લડતના મોરચાને દારૂગોળો પૂરનાર જેલ-સાહિત્ય તો. ‘અ’ વર્ગના એક જણને થયેલી ઉધરસનો મહિમા ‘ક’ વર્ગના ક્રિમિનલને લાગેલ ન્યુમોનિયા તાવ જેટલો મૂલવાવે, તે સાવ સ્વાભાવિક છે.

પરંતુ નવું લખાતું જેલ-સાહિત્ય આજે એ પ્રચારકાર્યની સીમા વટાવીને નવી ભૂમિકામાં દાખલ થયું છે. જેલ કેવળ પીડક અને પીડિત વચ્ચેનું ઇરાદાપૂર્વકનું વૈરસાધક યંત્ર ગણાવાને બદલે માનવ-મનોવૃત્તિના એક સંગ્રહસ્થાનની ગણનામાં આવી ગયેલ છે. આજનો લેખક ત્યાંની દુનિયામાં જઈ માનવ-સ્વભાવના ઊંડા આંતર્‌પ્રવાહો તપાસવા લાગ્યા છે. ગયા બે વખતની રાજદ્વારી લડતમાં જેલ બરદાસ્ત કરી આવેલો તરુણ સમાજદેશના મુક્તિમાર્ગ ઉપર એક-બે ડગલાં આગળ વધી શક્યો છે કે નહિ તે એક જુદી વાત છે, જેલમાં જઈ એ આધ્યાત્મિક શુદ્ધીકરણ પામી શક્યો છે કે કેમ તે એક વિવાદાગ્રસ્ત પ્રશ્ન છે, આધ્યાત્મિક શુદ્ધીકરણને કે સાદાજીવનસુધારને માટે પણ જેલયાત્રાની કહેવાતી ઉપયોગિતા હવે લગભગ ગપ્પ જ પુરવાર થઈ કહેવાય છે. પણ એક વાત સાચી છે, કે યુવકસમુદાય જેલની અંદર માનસશાસ્ત્રનાં નવાં

[4]