પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ડોશીનું મોઢું જ કેવું ઉજ્જડ, સળગી ગયેલ જંગલ સમાન હતું ! એ મોં ઉપર જાણે કોઈએ હળ હાંક્યાં હોય ને એવા ઊંડા ચાસ પડી ગયા હતા. એમાં આંસુ પડે તોપણ ન દેખાય તેવી ઊંડી જાણે કે ખાઈઓ હતી. એના વાળ ટૂંકા, જાણે કે ખરી ગયેલા હતા. કોઈ અદીઠ વિપત્તિએ કેમ જાણે એનો એક વેળાનો કમ્મર સુધી ઢળકતો ચોટલો વીંખી પીંખી ઉખેડી નાખ્યો હોય !

રે ડોશી ! જો તારે કશી લાગણી દેખાડવાની નહોતી તો પછી તું આટલું ખરચ કરીને નાહક અહીં આવી શા સારુ? આંસુના એક ટીપા વડે પણ ન ભીંજાયેલો હોય એવો મા-દીકરાનો મેળાપ જેલમાં કોઈએ કદી જોયો કે સાંભળ્યો છે!

હા, પેલો દુત્તો પાટીદાર ડોસો જ્યારે પોતાના દીકરાને મળી લઈ પાછો પોતાની બુરાકમાં જતો હતો ત્યારે એણે ચાલાકી કરીને પોતાની આંખો ઝટઝટ લુછી નાખેલી ખરી, અને અમારા આ દોઢ ડાહ્યા રાજકેદીએ એને જ્યારે આંખો ભીની થયાનું કારણ પૂછ્યું ત્યારે એ હાજરજવાબી ડોસાએ પોતાની પાટીદાર તરીકેની ખુમારી સાચવવાનો ડોળ કરતાં-કરતાં ચોખ્ખે ગળે જવાબ દીધેલો કે “ના સા‘બ! એ તો મારી ઓંછ્યોમાં અજવાસ પડ્યો તેથી ! હું કાંઈ રડતો નથી. રડું શા સારુ?”

પણ આ પંજાબી મા-દીકરો તો કાળમીંઢ પથ્થર-શાં નીકળ્યાં. એને પરસ્પર હેતપ્રીત જ નહિ હોય. એટલે એને તો આંસુ છુપાવવાનો ડોળ કરવાની પણ જરૂર પડી નહિ. દીકરો અંદર ગયો, ડોસી ડગુમગુ કરતી બહાર નીકળી તે વખતે પણ, અમારા રૂડા શેરબહાદુર આ રાજકેદીઓની પેઠે મા-દીકરાએ પાંચ સાત વાર વળી-વળીને એકબીજા પ્રત્યે નજર સુધ્ધાં માંડી નહિ.

અમારા રાજકેદીઓ તો કેટલા બધા સ્નેહભરપૂર! કેટલા આદર્શ મમતાળુ ! મુલાકાતે આવનાર માતાની કે પત્નીની સામે કંઈકંઈ વેળા સુધી એકીટસે નિહાળી રહે. પહેલાં પ્રથમ તો જલદી-જલદી મુલાકાતમાંથી ઊભાં જ ન થાય. જેલર પાંચ વાર મોં બગાડે, ને બે-ત્રણ વાર નફટ બની વિનંતી


32
જેલ ઓફિસની બારી