પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ. કલેજાં તો ઠલવાય છે કેવળ એ જ નસીબદારોનાં કે જેને સંસારમાં સુખ છે, જેની કાયા ગૌર છે, જેનાં કપડાં સફેદ છે, લાલિત્યમય જબાન ને દર્દની વાણી જેમની પાસે છે.

જેમ કે પેલી ઈરાની બહેનો: ઓહોહો ! જેલ-ઑફિસના ભરચક મનુષ્યોની વચ્ચે કેવી ખુલ્લી વહાલપથી એ પોતાના કેદી ભાઈને બાથ ભરીભરી ભેટી રહી છે! ને ગળામાં ભુજાઓ લપેટી-લપેટી કેવાં ધ્રુસકે ધ્રુસકે એ બહેન-ભાઈ, મા-દીકરો, કે ધણ-માટીડો (જે હોય તે) આક્રંદ કરી રહેલ છે.

શોભે છે – બેશક, બેશક એ ગૌરગૌર ગાલો પરથી દડી રહેલાં મોટાંમોટાં આંસુઓ શોભે છે. ગોરાંગોરાં ગળાંને વીટળાતાં એ માંસલ, ગુલાબી અને બંગડીદાર કાંડા ખરેખર આ વિલાપના દૃશ્યને દીપાવે છે. હીરચીરનાં વસ્ત્રાભરણો, મોજાંઓ, બૂટસપાટો, સમારેલ કેશગુચ્છો અને આક્રંદની સંસ્કારભરી વાણી – એ બધાં, ઓહોહો, શી અનેરી સૌદર્ય-છાંટ છાંટી રહેલ છે એ છાતી ફાટ મિલન-વેદના ઉપ૨!

કોણ જાણે કેવોય ચોરી-લબાડીનો ગુનો કરીને એક વર્ષની સજા પામેલો એ ઈરાની કેદી મને પેલા હૈયાફૂટા દલબહાદુર પંજાબી કરતાં વધારે પ્રિય થઈ પડ્યો છે. ભેટી પડો, ખૂબખૂબ ભેટીને બાથ ભરો. જેલરસા'બ ! એ સુંવાળાં, ‘સોજ્જા’ સાચી પ્રીતિ કેળવી જાણેલાં મા-બહેન અને ધણિયાણીને એમના આ ખાનદાન સગા સાથે લાંબામાં લાંબી મુલાકાત કરાવો, કેમ કે એમાંથી રસ ઝરે છે. શેરડી સિંચોડે ભીંસાય ને મીઠાં શરબત ખળખળે તેવો આ સ્નેહરસ છે. બીજાં કાણાં, કૂબડાં, ઘરડાં, બુઢ્ઢાં, કાળાં ને કદરૂપાં, અબોલ અને થોથરાતી જીભોવાળાં મુલાકાતિયાંને મફતના દિલાવર બની જઈ તમે લાંબું મળવા ન દેજો.


34
જેલ ઓફિસની બારી