પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાણે કોઈ ઈલમના જોરથી પોતાનો ભૈ મારા સળિયા વચ્ચેથી ડોકું કાઢીને બોલશેઃ ‘બોન !’

થોડી વારે દીનમહમ્મદે પોતાની આંખો પરથી ચશ્માં ઉતારીને હાથમાં કાગળનો ખરડો હતો તે તપાસતાં તપાસતાં ડોકું કાઢ્યું, પૂછ્યું: “તેરા ભાઈકા દૂસરા કુછ નામ હે?”

“ના સા'બ ! ઈનું હુલામણું નામ કુંણ પાડે ? મારી મા તો ઈને ઘોડીએ મેલીને મૂઈ છે.”

“તેરા ભાઈ યે જેલમેં હૈ હી નહિ. જાઓ, મુલાકાતકા ટેમ ખેલ્લાસ હો ગયા અબ.”

‘તારો ભાઈ આ જેલમાં છે જ નહિ.’ એ નાનકડો જવાબ આ વીસ વર્ષાનીએ વયની બોનનો પ્રાણ ફફડાવી મૂકવા માટે પૂરતો હતો. મારો ભૈ આંહીં નથી ? બીજે ક્યાં હોય? આ જેલમાં જ એને પૂરેલો છે. એને કોઈએ ગારદ કરી દીધો હશે? એ માંદો પડીને મરી ગયો હશે? આ પૃથ્વી પર ઊભેલા પાતાળી કિલ્લાની અંદર બે હજાર માણસો હૂકળી રહેલ છે એમાં મારા ભૈનું શું થયું હશે ?

બળતા નીંભાડાને પ્રદક્ષિણા કરતી, એકાદ માટલામાં પ્રસરેલાં પોતાનાં બાળ માટે કકળતી માંજરી જેવી ભૈની બોન મારી પાસેથી દરવાજે અને દરવાજેથી મારી પાસે દોટાદોટ કરવા લાગી. અંદર પેસવાની એને માટે બારી નથી. ભૈની ભાળ માગવા કોની કને જવું તેની એને ગમ નથી. સેંધરાની કોઈક વાડીમાં બકાલું વાવતા ભૈની આ ખેડૂત બહેન ભાઈને મળવા ઘરેણાં-લૂગડાં પહેરીને આવી છે. પોતાનો ભાઈ પોતાના ખેતરનાં ઊભા મોલ બાળી દઈને રાજકેદી તરીકે પકડાયો હતો અને પોતે જ એને કપાળે કંકુચોખાનો ચાંદલો ચોડીને વળાવ્યો હતો. એવા વીર ભાઈને મળવા આવેલ બહેનનું મોં શી ગુલાબી ઝાંય પાડી રહ્યું હતું! ને કેવી કોડભરી બહેન વસ્ત્રાભૂષણો સજીને આવી હતી !

એ જ ગલગોટા જેવું મોં, એ મોટી આંખો, એ વસ્ત્રો ને આભરણો – તમામની સુંદરતાને સાત ગણી શોભાવતાં ટબ્બા-ટબ્બા જેવડાં આંસુ,


36
જેલ ઓફિસની બારી