પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





ફટકાની લજ્જત

સાંભળો છો, રાજકેદી ભાઈ? ફડાકા સાંભળો છો ? પણ એ તો પોલા ફડાકા બોલે છે, હાં કે ! માનવ-ખોળિયાની કેડ્ય નીચેનાં ભરચક લોહીમાંસવાળાં ઢીંઢાં ઉપર ચરડ-ચરડ ખોભળાં ઉતરડી લેનાર એ સાચા, સંગીતમય, કર્ણપ્રિય સોટાના સબોડાટ નથી. એ તો હજુ અમારો મરાઠો મુકાદમ પ્રેક્ટિસ કરે છે. એને હજુ તાજેતર જ પીળી પઘડી અને પટ્ટો-ધોકલો મળેલાં છે. એને હજુ ઊંચે ચડવાનો ઉમંગ છે. એટલે એ તો શીખી રહેલ નવી વિદ્યા. એ તો ‘પ્રેક્ટીસ’ કરે છે લૂગડાના ગાભાના બનાવેલા મોટા ઢીંગલા ઉપર સોટા મારવાની.

જરા અંદર જઈને જુઓ ને! જોવાની ટેવ તો પાડો, મારા ભાઈ ! ટેવાશો તો આંખે તમ્મર આવતા અટકશે, હૈયાના થડકારા ઓછા થશે, હિસ્ટોરિયા-બિસ્ટોરિયા જેવું કંઈ નબળું તત્ત્વ હશે તો શરીરમાંથી નાબૂદ થશે. જોઈ આવો ને જરા!

મેદાનમાં ખડી કરેલી. એ ત્રણ પગવાળી લાકડાની ઘોડી મારા કરતાં, અરે, પેલા સાઈબીરિયાની સરહદ પરના ખાંભા કરતાંય, વધુ ભાગ્યવંતી છે. જુઓ, અત્યારે તો એની સાથે બાંધેલ છે એક માણસઘાટનું અને માણસ જેટલા જ કદનું હૃષ્ટપુષ્ટ અને કદાવર નિર્જીવ ઢીંગલું: લૂગડાની ખોળમાં ભર્યા છે ગાભા. એ તોતિંગ ધૂંધળીમલના બે હાથનાં કાંડાં ઊંચે બાંધ્યાં છે. ને બે પગ પહોળા રાખીને ઘોડીના બે પાયા સાથે જકડેલ છે. એનો બરડો બાહ્યલી બાજુએ રખાવેલ છે. એનો દેખાવ નગ્ન છે. ભરચક, ટટાર અને હમણાં જાણે ચીસ પાડી ઊઠશે એવું એ ઢીંગલું.


ફટકાની લજ્જત
39