પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણો લખાવે તેવી એક નવી દુનિયાનું ઠીક-ઠીક દર્શન કરી આવ્યો છે. મનુષ્યને એના તમામ વેશપોશાકથી મુક્ત થયેલો – વણઢંકાયો - તદ્દન નગ્ન નિહાળી લેવાનું સ્થાન જેલ છે એ ચોક્કસ વાત છે. શરીરનાં ભીતરી અંગો નિહાળવાનું ક્ષ-કિરણ વિજ્ઞાને સંપડાવ્યું; મનઃપ્રદેશનાં ઊંડાણ ઉઘાડા પાડવાનું સાધન – કારાગૃહ – ગઈ લડતે પૂરું પાડ્યું. પારકાની તેમ જ પોતાની નબળી-સબળી સમગ્ર મનઃસૃષ્ટિની આ પિછાન, આ દંભમુક્ત નિજદર્શન, એને જો આપણે ‘આધ્યાત્મિક શુદ્ધીકરણ’માં ઘટાવતા હોઈએ તો પછી પેલો મતભેદ જરૂરનો નથી.

વધુ નિહાલ તો તેઓ થયા, કે જેઓને જેલોમાં ક્રિમિનલ કેદીઓનો સમાગમ જડી ગયો. પાંઉ–માખણ અને ટમેટાં–તકલીઓની નિરાળી નાની દુનિયામાં વસનારો ઊંચલા વર્ગનો કેદી જેલજગતની માનવતાને ભાગ્યે જ પેખી શકે છે.

વર્ગોની વહેંચણ કરવાનું કાર્ય તે વખતના મૅજિસ્ટ્રેટોના સ્વભાવમાં બની રહેલ અકસ્માતોને જ આધીન હોઈ, આ લેખક પણ અગિયાર મહિનાને માટે એ મહિમાવંત અસ્પૃશ્યો માંહેલો એક જ હતો. છતાં એનું પ્રથમ સદ્‌ભાગ્ય એ હતું કે ફાંસીખાનું તથા ફાંસી-તુરંગ બેઉ એનાં પાડોશીઓ હતાં. બીજું સદ્ભાગ્ય, એને જેલરની ઑફિસમાં મળેલું કારકુનનું કામ હતું. જેલ-ઑફિસની બારી સાથે એને રોજિંદો સમાગમ હતો. ‘બારી’એ જે કંઈ બબડ્યા કર્યું તે એણે સંઘરી રાખ્યું હતું. આજ એને શબ્દોમાં મૂકી શકાય છે.

પણ એક સ્ફોટ થતો રહે છે: આ ચોપડીમાં લખ્યા તે બધા જ પ્રસંગો કંઈ અમુક કેદખાનાની ‘બારી’એ કહેલો કે અમુક દીવાલોમાં જ બનેલા પ્રસંગો નથી; પાત્રો બધાં કોઈ એક જ જેલનાં નથી. ‘બારી’ પર કેટલાક તો માત્ર ઓળા પડ્યા હતા. એની રેખાઓ ક્ષીણ હતી, એ અસ્પષ્ટ આકારોને ઘાટી રેખાઓએ ઘૂંટવાના રંગો તો જુદીજુદી જેલોમાંથી આવેલા કેટલાક સ્નેહીઓની વાતોમાંથી મેળવ્યા છે. અમુક વ્યક્તિગત ઘટનાઓને બાદ કરતાં બાકીના તમામ પ્રસંગોને સાર્વજનિક માનસચિત્રો જ બનાવવામાં આવેલ છે.

એ બધા સારા પ્રતાપ છે ‘બારી’ના. ‘બારી’ વિના તો જેલના આંતર-જીવનનો આ છે તેટલો સંપર્ક સાધવો પણ અશક્ય બન્યો હોત. અને ‘બારી’ પણ કબૂલ કરશે કે એક ડાકણ અને મનુષ્ય વચ્ચેનો આ સંબંધ પણ કદાચ એની કારકિર્દીમાં આ પહેલવહેલો જ હતો.

આનાં થોડાંક પ્રકરણો પ્રથમ ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં.

મુંબઈ: 15-3-’34
 
[5]