પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ને હવે નજર કરો: પચાસ કદમ પરથી પોતાના પંજામાં નેતરની લાંબી સોટીને પૂરા તોરથી હવામાં વીંઝતો, કોઈ અણદીઠ કમાન ઉપર જાણે કે ઊછળતો છલંગે-છલંગે છાતીમાં, કાંડામાં, પોંચામાં, આંગળીઓમાં અને છેવટે એ નેતરની સોટીમાં આવેગની વીજળી એકઠી કરતો એ જુવાનજોધ મરાઠો મુકાદમ ઊપડતો આવે છે અને પછી કેવું અચૂક નિશાન લઈને, કેવા ગર્વથી, જોશથી, ઉમંગથી, દાઝથી, ઈનામરૂપે સજાની કપાત થવાની આશાથી, એ પેલા ઢીંગલાના કેડ્ય હેઠેના ભરપૂર દેહભાગ ઉપર સોટી ઝીંકે છે!

ન વળી પાછો એ છલંગ મારતો પચાસ કદમ પાછળ જાય છે ને ત્યાંથી બેવડા આવેગ સાથે ઊછળતો, નેતર વીંઝતો, હવામાં થરથરાટ બોલાવતો, ચમકતે નેત્રે ચાલ્યો આવે છે, ઢીંગલાને એ જ નિશાન પર ફટકારે છે, ફટકે-ફટકે ઢીંગલાનું કાપડ ઉતરડાઈને અંદરથી ગાભા નીકળી પડે છે.

પણ આ તો હજુ પ્રેક્ટિસનો હૈયાઉછાળ છે. કાપડના ગાભાના બનેલા ઢીંગલા ઉપર એ બાપડો ગમે તેટલું સજીવારોપણ કરે, છતાં પેલી જીવતા માનવી ઉપર સોટીઓ ખેંચવાની મજા ક્યાંય થાવી છે? પ્રેક્ટિસમાં પાવરધો થયા પછી કેટલો અધીર બનીને એ જીવતા માનવને માટે રાહ જુએ છે, તે તમે ન સમજી શકો, ભાઈ. અમારા જેવાં એના એકલોહિયાં સહધર્મી જેલભાંડુઓની જ સમજમાં ઊતરે તેવી એ ગુપ્ત બાબત છે. દેવીની પાસે પાડા-બોકડાને જબ્બે કરવામાં જે આનંદ ભક્તને છે તેની શી ગણતરી હોઈ શકે આ ફટકા મારવા તલપી રહેલ અમારા મુકાદમની હૈયાહોંશ આગળ ! એના કલેજાની હરિયાળી ઉપર કંઈક હરણાં કૂદંકૂદા કરી રહેલ છે. રોજ સંધ્યાટાણે એ પેલા ફટકાની સજાવાળા કેદી ખુશરુને, લાલિયાને અને દુલ્લારામને બહારપાટીનું રેંટકામ વગેરે કરીને આવતા ભાળે છે, અને એ ત્રણેયને ઉઘાડા કરી, લંગોટીઓ પણ છોડાવી વૉર્ડર જ્યારે એની જડતી લેતો હોય છે, ત્યારે એ ત્રણેયના કાળા, છલકતા, પાટિયા સરખા સપાટ ઢીંઢાં ઉપર કેવી માયાભરી મીટ માંડીને અમારો આ ફટકા-નવેશ મુકાદમ ભાઈ તાકી રહે છે ! બિલાડીએ કોઈ ઉંદર તરફ, કૂતરાએ કોઈ મરઘી તરફ,


40
જેલ ઓફિસની બારી