પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોહલાંએ કોઈ ખિસકોલી તરફ કે સાપે કોઈ દેડકા તરફ આવી રસભરી નજર નહિ ચોડી હોય.

કેમ કે એ બધાં તો ભૂખનાં વડકાં કરે છે. હોજરી ખાલી થાય ત્યારે જ તેઓની આ તલપાપડ-વૃત્તિ બહેકે છે. જઠરનો ખાડો પુરાયા પછી તેઓને પોતાના ભક્ષમાં કશી જ લજ્જત નથી હોતી. વળી, એ બાપડાંની લોલુપતા તો પોતાની જાત બહારનાં જીવો પૂરતી.

આંહીં તો માનવીની મહત્ત્વાકાંક્ષાના અપાર લસલસાટ છે. એની લાલચની નિસરણીને પગથિયાંનો પાર નથી. એમાં પણ જાતભાઈ ઉપર આ હૈયાનો ઉલ્લાસ ઠાલવવાની મજા તો એક ઇન્સાનને જ કુદરતે બક્ષેલ છે.

લાગણીનો દંભ કરીશ મા હો, ભાઈ રાજકેદી ! તને શું કદીકદી તારી બૈરી પર રોષ કરતાં-કરતાં ઝનૂનનાં મોજાં પર મોજાં ચડ્યાં નથી ? તારાં બાળકોને ઠોઠથાપલી કરતાં તારા હાથની હથેળી શું વધુ ને વધુ હિલોળે ચડી નથી ? નિશાળના માસ્તરો જ્યારે વિદ્યાર્થીઓનાં સુંવાળાં શરીરો પર મારપીટે ચડે છે ત્યારે શું એના હાથપગમાં ઓછી ચળ ઉપડે છે, ભાઈ ? એ આનંદ, એ ગલીપચી, એ ઉમળકો તો વાણીમાં ન ઊતરે તેવાં છે, ભાઈ ! તો પછી અમારો મરાઠો મુકાદમ પેલા ત્રણેયના છલકતા દેહ ઉપર ચંપી રહે તેમાં શી નવાઈ ?

કાલે સવારે આ લાકડાની ત્રણ પગી ઘોડી ઉપરથી લૂગડાંનું ઢીંગલું ખસેડી નાખશે, તેની જગ્યાએ ખુશરુ, લાલિયો ને દુલ્લારામ, ત્રણેયને નગ્ન કરીને એક પછી એક ઝકડી લેશે. સહેજ ઢળતા બાંધશે. ઉપર બે હાથનાં ને નીચે બે પગનાં કાંડાં એના પગ પૂરેપૂરા પહોળાવીને બાંધી લેશે એટલે પછી અમારા મરાઠા મુકાદમને નિશાન લેવામાં એ બંધાયેલ શરીરનો લગરીક થરેરાટ સુધ્ધાં નડતરરૂપ નહિ બને.

કલ્પના તો કરો, ભાઈ ! મરાઠા મુકાદમની એ સોટીમાં કેટલું કૌવત અને કેટલી હોંશ પુરાશે એ ટાણે ? ગાભાના ઢીંગલા ઉપર પણ જેણે ઠેકી-ઠેકીને સોટીઓ ઝીંકી છે, તેની નેતરમાં આ જીવતા, લોહીછલકતા, લાગણીદાર ભક્ષને દેખી શી-શી વીરતા નહિ નાચી ઊઠે !


ફટકાની લજ્જત
41