પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




દાક્તર દાદા

લામ, દાક્તરસાહેબ ! હું જેલ-ઑફિસની બારી તમને સલામ કરું છું. તમારાં તો વારણાં લેવાને મને કોડ થાય છે. કોઈ મારા હાથ છૂટા કરે તો હું ખાતરીથી કહું છું કે તમારાં વારણાં લીધે મારી આ સાંધાસૂંધા વગરની લોખંડી આંગળીઓમાં પણ ટચાકા ફૂટે.

તમે કંઈ ઓછાં કષ્ટો ઉઠાવો છો, દાદા ! બીજાઓ સમજતા હશે કે તમારું ગળું ગલોફામાં પાનપટ્ટી હોવાથી ફુલાય છે. પણ સાચું કારણ તો એક હું જ જાણું છું. તમને તો ત્રાડો પાડી પાડીને કંઠે સોજો આવ્યો છે, અને એ ત્રાડ પણ કંઈ જેવી તેવી ?

“લે જાઓ સાલાકો ચક્કીમેં ! ઉસ્કા બુખાર ઊતરી જાયગા !”

“જાઓ ડાલો સાલકો રેંટપાટી મેં ! પેટ મેં અચ્છા હો જાયગા.”

“પિચકારી-પિચકારી લેનેકી ના બોલતા હૈ, સાલા હરામી ? ઉઠા જાઓ ઉસ્કો કોસ ખિંચનેમેં – સબ દરદ મિટ જાયેગા.”

બંદીખાનાના કલેજા સરખી એ વચ્ચોવચ આવેલી ઇસ્પિતાલમાંથી જ્યારે આવા સિંહનાદ ઊઠે છે, ત્યારે દૈત્ય જેવા હજાર-પંદરસો બંદીવાનોના પણ હોશ તમે ખાટા કરી નાખો છો. અને ગર્જનાઓ ન કરો તો તમે કરોય શું બીજું ? દવાખાનામાં પૂરી દવાઓ નથી, કેદીઓમાં કૂડકપટ અને દોંગાઈનો પાર નથી, સૂબેદારને મજૂરી પૂરી કરાવવામાં તૂટ પડી જાય છે. તમે થોડાં દૂધચાવલ વધુ છૂટથી આપો છો તો પેલા છેક પૂનામાં બેઠેલ હાકેમના હૈયામાં પણ વરાળો ઊઠે છે. પછી તો તમારી તમામ વિદ્યા એ સાવજશૂરી ત્રાડોમાં જ રૂપાંતર પામે ને, દાદા !

માત્ર ત્રાડો જ નહિ : કોઈ કોઈ વાર તો તમારા ઠોંસા ને લાત પણ


દાક્તર દાદા
45