પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઓ પ્યારા દાક્તરસાહેબ !

બરાબર ખબરદાર રહેજો, હો દાદા ! આ નવો જમાનો એવું વિચારવિષ પાવા લાગ્યો છે કે દાક્તરની ખુરસી સન્મુખ તો નથી કોઈ ચોર કે નથી કોઈ શાહુકાર – એ તો છે ફક્ત ‘દરદી’: એના આચાર કે વિચાર સામે જોવાનું નથી દાક્તરોએ: એનો રોગ ભલે હો અકસ્માત, ગફલત યા તો ઇરાદાપૂર્વકની બદફેલ જિંદગીનું પરિણામ, છતાં દાક્તરની આંખોમાં તો એ રહે છે એક અસહાય શરણાગત રોગી: એવી શરણાગતિની ઘડીએ દરદીની અસહાયતાનો લાગ દેખીને, “તું તો એ લાગનો જ હતો, તારાં તો કામો જ એવાં હતાં” – આવા ટોણાં મારે તે દાક્તર નહિ: મોતની છાયાને સામે આવી ઊભેલ દેખીને ગભરાઈ ઊઠતો રોગી દાક્તરની સામે ગમે તેવા બકવાદ માંડે ને ગાળો ભાંડે એટલે ‘તને આ બધું તારું મોત બોલાવી રહ્યું છે’ એવા બોલ કાઢનાર તે દાક્તર નહીં: મરતાને પણ ‘મર’ કહે તે દાક્તર નહિ: સાચો દાક્તર તો આખરી ઘડી સુધી દરદી અને મૃત્યુની વચ્ચે ઇલાજો કરતો ઊભો રહે ને ઈલાજનું સાધન ન હોય તો યમની બિહામણી આંખોના ડોળાને આવરતો, રોગીને ઈશ્વરનું ધામ યાદ આપતો, અને છેલ્લી લડાઈમાં જીવાત્માને સુભટ બનવા પડકારતો ખોળામાં માથું લઈને બેઠો રહે…

ખી-ખી-ખી-ખી… દાક્તર દાદા ! આવી આવી વિચારઘેલછા ઊભી કરનારા આ યુગકાળને પડકારો. પેલા કવિરાજના સુપ્રસિદ્ધ શબ્દો વડે કે ‘થંભો બારણાની બહાર ! આ જોદ્ધો જુદો છે’. જુઓ તો ખરા, જગલો કેદી ચોખેચોખ્ખો ચક્કી પીસવાની દગડાઈ કરીને એક દિવસનો આરામ માગવા આવ્યો છે, તેને તમે શી રીતે છુટ્ટીનું સર્ટિફિકેટ આપી શકો ? એનાં ફેફસાં નબળાં હતાં, તો પછી એ અહીં આવ્યો શા સારુ !ને મૅજિસ્ટ્રેટે સજા ફરમાવતી વખતે તેવો કાંઈ તામ્રલેખ કરી આપ્યો નથી કે સજાની મુદત પૂરી થયે એને જીવતો એની ઓરતના હાથમાં સોંપવો. હવે એ ઝાડાપેશાબથી લદબદ પથારીમાં ‘મારો ટપુડો ! મારો ટપુડો !’ ઝંખતો સનેપાતમાં દીકરાને સંભારે છે તે વેળા શું તમે એના લલાટ ઉપર હથેળી મૂકવા અને એનું


દાક્તર દાદા
47