પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગંધાતું માથું ખોળામાં લેવા જાઓ ?

આપણે તો ઘણુંય સમજીએ છીએ કે જગલાનો રોગ કંઈ પ્રથમથી જ અસાધ્ય નહોતો, એને આરામ અપાયો હોત તો ત્રીજે દિવસે જ એ ઘોડા જેવો બનીને પાછો ચક્કીએ લાગી પડત. અથવા એ પટકાઈ પડ્યા પછી પણ પેલી દવાની શીશી ખાલી ન પડી હોત તો એનો ઉગાર થઈ શકત. પણ માણસ શું બહાર નથી મરી જતા ? તો પછી આંહીંયે શું ન મરે ? બહાર તો એને આટલીયે દવા ન મળત.

બેશક, તફાવત એટલો કે બહાર એ જગલો એની ઓરતને હાથે સારવાર પામતો, એના ટપુડા દીકરા અને દીવડી દીકરીની સામે મીટ માંડતો, એના ભાઈ-પિતરાઈને ભરભલામણ દેતો સદ્‌ગતિથી શરીર છોડત. પણ એટલે શું, દાદા ! તમારે ઊઠીને આંહીં એની મા, બાયડી અને એના ટપુડા કે દીવડીના પાઠ ભજવવા ? ઓહ દાદા, એવા ઢોંગ આપણને પરવડે નહિ. જેટલા સુંવાળા થઈએ એટલું આ લોકોને ગુના કરવાનું પ્રોત્સાહન મળશે. એ ધારાળાફારાળા અને ભીલડાંબીલડાં એવાં પાજી છે કે આવા સુંદર મકાનમાં અને આવી ખુશબોદાર ફૂલવાડી વચ્ચે મરવાની લાલચે પણ તેઓ ગુના કરવા મંડી પડશે. વાસ્તે એને તો ઉત્તેજન આપવું જ નહિ. કામ લઈ શકાય તેવો કસ લાગે ત્યાં સુધી દવાદારૂ કરવાં. બાકી એને અહીં પૂરતી વેળા નખમાંય રોગ નહોતો માટે છોડવાં પણ નીરોગી કરીને, એવી કોઈ બંધણી નથી. દફ્તરમાં એના નામની સામે ‘ઇસ્પિતાલે ગુજરી ગયો’ એટલો શેરો થઈ જાય એટલે તો નિહાલ થઈ ગયાં.

કેવા બડભાગી છો તમે, દાક્તર દાદા ! જિંદગીમાં પ્રવેશ કરતાં પહેલાં જ તમને એવાં સરસ બે વર્ષ મળી ગયાં કે જેણે જગતની કાળામાં કાળી બાજુ તમારી સામે રજૂ કરી. તમને જગતમાં ક્યાંય જંપવા ન આપે એવી હેવાનિયતનો ખ્યાલ ઠસાવી દીધો. પગલે-પગલે તમને આ દુનિયા દોંગી, દગડી ને લબાડ જ દેખાયા કરશે. તમને કોઈનો ઇતબાર નહિ બેસે. બધાં તમને છેતરવા જ આવે છે એવી જાગ્રત મનોદશા નિરંતર રહેશે. દાક્તર બાપડો ઈશ્વરનો દૂત બનવાની કોશિશ કરી ધુતાય છે. તેને બદલે


48
જેલ ઓફિસની બારી