પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તો પછી અહીં આવ્યા શું કામ ?”

“આંહીં કાંઈ સેનેટોરિયમ થોડું જ છે ?”

“કસરત કરો ને, રોટલા પચી જશે.”

“શું મિસ્તર, તમે દૂધભાત ખાવા સાટુ થઈને આ ઢોંગ કરો છો ?”

“આમને ચક્કીમાં ઉપાડી જાઓ ચક્કીમાં, એટલે બધી ફરિયાદ ટળી જશે.”

શાબાશ દાદા ! આ તમારી વાત મને ગમી. તમે પાછા આપણા સીધા માર્ગે ચડી ગયા. આપણી નજરમાં તો તમામ કેદીઓ સરખા: ચાહે જગલો ખૂન-કેદી હોય કે ચાહે મધુસૂદન રાજકેદી હોય. વળી એક વાર જંગમાં ઝુકાવી બેસનાર જુવાનને તો એની ફિશિયારી બદલ આવા ટોણા મારવાનો આપણને હક્ક છે. અને જેઓના હાથ નીચે આપણા જેવા તો ચાર-ચાર કંપાઉન્ડરો ચાકરી કરતા હોય તેવા જાજરમાન દાક્તરસાહેબો જેલની બહાર ભલે આપણી પૂજાના અધિકારી રહ્યા, આંહીં તો તેઓ પણ કેદી જ લેખાય. તો પછી તેઓ શા અધિકારે આંહીંથી અમુક જ દવા માગી લઈ શકે ? તેઓએ પણ આપણી જ સારવાર નીચે મુકાવું રહ્યું.

મને તો દિવસરાત એક જ ફિકર થયા કરે છે, દાદા,કે આ નવા યુગના હાથમાં જેલોની સત્તા સોંપાશે એટલે તેઓ જેલ-ઇસ્પિતાલોના વહીવટમાં ભયાનક પરિવર્તન કરી નાખશે. એ નવા કારભારીઓ આવીને પ્રથમ તો પેલા રવિવારિયા હિન્દુ-મુસ્લિમ ધર્મોપદેશકોને રૂખસદ આપશે, આત્માના ઉદ્ધારને બદલે આ લોહી, પરુ ને મળમૂત્રે ભરેલા દેહની સાચવણ ઉપર ભાષણો દેનારને નોતરશે. ઇસ્પિતાલોમાં રોગીની સારવાર શીખવવાના વર્ગો કાઢશે. જાદુઈ ફાનસો અને સિનેમાની ફિલમો બતાવી શરીરસુખાકારીના ઇલમો ભણાવશે. એકએક કેદીને ભલી જીભે બોલાવી ચલાવી દાક્તરો એના સાચા ‘દાદા’ બનીને રહેશે, ગંભીર માંદગી ભોગવતા કેદીની પથારીએ એનાં સ્વજનોને તેડાવી ચાકરી કરવા દેશે. ઓસડિયાંની અછત હશે તો જેલની જ જમીન ઉપર વૈદકની વનસ્પતિઓ વવરાવશે, આખો દિવસ મજૂરી ખેંચનારા હજાર-દોઢ હજાર જણ વચ્ચે જ આ તમે બે જ જુવાનો તૂટી મરતા


50
જેલ ઓફિસની બારી