પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૂંઝાઈ જઈ મિજાજ ગુમાવી બેસો છો, તેને બદલે તે વખતે એક જેલર ઓછો કરીને ત્રીજો તબીબ વધારશે, અને એ દોઢ હજા૨ કેદીઓમાંથી જ પચીસ જણને ચૂંટી ‘નર્સીંગ’માં પ્રવીણ બનાવશે.

આવી તો કંઈક ઊથલપાથલો કરી નાખવાની રાહ જોતો બેઠો છે આ નવલોહિયો નવો જમાનો. મને તો ધાસ્તી છે, ઓ દાદા, કે તે દિવસે તો તમે પણ બદલાઈ જશો. તમારા કલેજામાં પણ કૂણાશ પેસી જશે. હું શું જૂઠી બીક રાખું છું ? વચ્ચે તમે પોતે જ નહોતા પોચા પડી ગયા ? ક્યારે, કહું ? પેલા એક સાહેબ થોડા મહિના આવી ગયા ત્યારે.

પહાડોના શિખર પરથી ઊતરેલો એ તો એક દેવદૂત હતો. કોમ અને વંશે એ ઇસ્લામીઓનો ‘હજરત’ હતો. શુદ્ધ અરબી ખાનદાનનું લાલ ગુલાબી લોહી એની શિરાઓમાં વહેતું હતું. એની મુખમુદ્રા પર ઝગારા મારનાર કેવળ દેહની તંદુરસ્તી જ નહોતી; એ તો હતી અંતરાત્માની નીરોગિતા. એના બાલક જેવા મોંમાંથી તાજાં ફૂલ જેવું હાસ્ય ઝરતું ને એવી જ વાણી ફોરતી. અરધા માથા સુધી ખેંચાયેલું એનું લલાટ શૈર્ય અને વિચારશીલતાનાં કિરણો પાથરતું હતું.

એને આવ્યાં ચાર જ દિવસ ઊગીને આથમ્યા ત્યાં જ શું આ કારાગૃહની કાળાશ ભોંઠી પડી નહોતી ? બુરાકોના દરવાજા દર પ્રભાતે પૂરેપૂરા ઉઘાડા મુકાતા ત્યારે શું કેદીઓનાં હૈયાં નહોતાં થનગની ઊઠતાં ? ‘બાપ આવ્યો ! આપણો સગો બાપ આવ્યો !’ એવા શબ્દો શું અનેકનાં અંતરમાં નહોતા ગુંજતા ? એણે તો શાસન સ્થાપી દીધું શંકાને બદલે વિશ્વાસનું, દમદાટીને સ્થાને સભ્ય સમજાવટનું, અનુકમ્પાનું, વાત્સલ્યનું.

છતાં એના શાસનકાળમાં જેલની શિસ્ત તો જરીકે તૂટી નહોતી પડી. એની ભલાઈથી ખૂનીડાકુઓ કોઈ વિફર્યા પણ નહિ. કામકાજ ક્યાંય કમતી ન ઊતર્યું, બંદીવાનોના દિવસો જાણે કે દોટમદોટ ચાલ્યા જવા લાગ્યા. જેલને ખૂણે-ખૂણે એના આત્માનાં અજવાળાં-અજવાળાં છંટાઈ ગયાં.

એ-ના એ માણસો : એટલી જ ઓછી દવાઓ : એનું એ જ દાળશાકનું પ્રમાણ : નવું કરવાની કશી જ સત્તા લઈને એ પહાડોમાંથી નહોતો ઊતર્યો.


દાક્તર દાદા
51