પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરંતુ દોઢ હજાર બંદીવાનોને ભૂખ હતી કોઈ માયાળુ મુખના દર્શનની, માયાળુ બોલની, માયાળુ વર્તાવની : એ ભૂખ નેકપાક ડાહ્યા મુસ્લિમે ભાંગી.

કદાચ કોઈ કોઈ લાલિયો, અલીખાં કે પેથો કેદી એને છેતરી ગયા હશે. જાણીબૂજીને એણે પોતાની જાતને છેતરાવા દીધી હશે. પોતાની જાતને કોઈક વાર છેતરાવા દેવામાં પણ મહાનુભાવતા રહેલી છે.

નહિ તો એની આંખ શું તમારા કરતાં ઓછી ચકોર હતી, દાદા ? એની ત્રાડ શું ઓછી બુલંદ હતી ? એના કદાવર શરીરમાં રુઆબ શું જેવો તેવો ભર્યો હતો ? એનો એક ગડદો કે એની એક પાટુ ખમી શકે તેવો કોઈ વજ્રકાય કેદી હતો શું આ કારાગારમાં ?

ચાર મહિનાનું સ્વપ્ન દેખાડીને એ તો ચાલ્યો ગયો પાછો પહાડો ઉપર. બલા ટળી ! પણ હું તો કંપી રહી છું એ જ બીકે, મારા જાની દોસ્ત દાક્તર દાદા, કે આવોઆવો અક્કેક આદમી નવી સત્તાઓ લઈને નવા કાર્યક્રમો સાથે જે દિવસે પ્રત્યેક જેલ ઉપર ઊતરશે, તે દહાડે તમારા જેવા જુવાનો ઝટઝટ પલટી શકશે, પણ મારા જેવી પોણોસો-સો વર્ષની ડોકરીનું તે દહાડે શું થશે ? મારાં આંસુનાં જવાહિર બધાં લૂંટાઈ જશે ને ?


52
જેલ ઓફિસની બારી