પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




‘ઔર કુછ ?’

ટાટ કપડેકી સજા તુમકો !”

“ઔર કુછ ?”

“ચુપ રહો ! હાથબેડી ડાલો. લે જાવ ઇસ્કો”

“ઔર કુછ ?”

“ઐસા ? પાંઉબેડી.”

“ઔર કુછ ?”

“દો દિન કાંજી.”

“ઔર કુછ ?”

“આડીબેડી.”

“ઔર કુછ ?”

“લે જાવ યે બદમાશકો, કલ પચીસ ફટકા લગાઓ.”

દરવાજાની અંદર આજ સોમવારની સવારે આ ફટાકડાની પેટીની શી તડાફડી બોલી રહી છે, હેં ભાઈ હનુમંતસિંગ દરવાન !

હાં, હાં, આ તો કેદી નં. 4040નો સાહેબની સન્મુખ આજે ખટલો થયો છે. નં. 4040 શું આટલી બધી ખુમારીથી ‘ઔર કુછ ?’ ‘ઔર કુછ ?’ કહેતો સજાઓ માગતો ગયો ? ને છતાં સાહેબની તપતી જતી ત્રાડોની સામે એ કેદીએ શું આટલી બધી ખામોશ ધરી રાખી ? ‘ઔર કુછ’ના એના સ્વરોએ આખર સુધી પોતાનું સપ્તક બદલ્યું જ નહિ ! સાહેબની આંખનાં ચશ્માંની આરપાર પણ જ્યારે ભડકા ઊઠ્યા હતા ત્યારેય નં. 4040ની ભારેલી ભઠ્ઠી અદીઠી અને એવી ને એવી સબૂરીથી જલતી રહી !

એક-એક ટંકના બે-બે રોટલાથી પણ ભૂખ્યો રહી જતો કેદી નં. 4040


'ઔર કુછ ?’
53