પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કેદમાં આવ્યો ત્યારથી જ ચક્કી. પીસતાં-પીતાં એ ગમાર લૂખો આટો ફાકી જતો હતો. એક દિવસ એની આ ભયંકર ચોરી પકડાઈ ગઈ. એની નાનીશી કસૂરને માટે મુકાદમે એનું કાંડું ઝાલી, એની કાકલૂદીની અવગણના કરી, એને કાયદાકાનૂનની સમજ પણ પાડ્યા વગર જ્યારે વડા હાકેમની ખુરસી સન્મુખ ‘ખટલો’ કરી ઊભો રાખ્યો, ત્યાં સુધી એને લાજ હતી, ડર હતો, કમ્પ હતો. પણ પછી તો એણે સજાનું માપ એક વાર માપી લીધું. બીજી વાર અને ત્રીજી વારને ખટલે જ્યારે એને પૂછ્યાગાછ્યા વિના ડાકુ મુકાદમની ફરિયાદ પરથી ઉપરાઉપરી સજાઓ અપાઈ, અને મંગળવારને મંગળ મૂરતે એને ફટકા લગાવવામાં આવ્યા, ત્યાર પછી, બસ, કેદી નં. 4040 ફાવી ગયો, નિહાલ થઈ ગયો.

એને ત્રિપગી ઘોડી ઉપર તદ્દન નગ્ન કરીને, લંગોટ પણ ઉતારી લઈ, એનાં ઢીંઢાં ઉપર જે લીલી દવા ચોપડવામાં આવી તે દાક્તર દાદાની જ બનાવેલી દવા: પછી લીન્ટનું ભીનું પોતું એ ફટકા પડવાની મુલાયમ જગ્યા પર લગાવ્યું તે પણ દાક્તર દાદાએ જ લગાવ્યું. પછી પેલા પહેલવાન પઠાણ મુકાદમ પાસેની બે નેતરની સોટી ભીંજવવામાં આવી તે પણ એ દાદાએ જ બનાવેલી લીલી દવામાં. પછી એ વીંઝી-વીંઝીને ચગાવેલી સોટી જ્યારે એક, બે કે ત્રણ ફટકે તો પેલી લીન્ટનું પોતું ઉતરડી, ચામડી ચીરી, લોહીમાંસના ભર્યા સરોવર સમાન એ નં. 4040નાં ઢીંઢાંમાં હર ફડાકે જળક્રીડા (અરે નહિ, રક્તક્રીડા) કરવા લાગી, ત્યારે પણ દાદા જ એની પાસે ઊભા રહી, એ ચીરાને તપાસી હુકમ આપતા હતા કે “ચલાવો ! ફિકર નહિ, ખમી શકશે.”

પાંચ ફટકા વટાવી ગયા પછી તો નં. 4040 સમાધિસ્થ થઈ ગયો હતો, પરંતુ પછી જે વેળા એને જાગૃતિ આવી તે વેળા એણે જોઈ લીધું કે પોતે ક્યાં હતો, અને પોતાની આ દશા કરનાર મુખ્ય માણસ કોણ હતો.

પોતે હતો ઇસ્પિતાલમાં. ત્યાં દાક્તર દાદા કેવા પ્યારથી એનાં ચિરાયેલ ઢીંઢાં પર મલમપટા કરતા હતા ! ઘોડી પરથી છોડ્યા પછી ત્યાં ને ત્યાં પાટાપિંડી કરી એને એ નિદ્રસ્થ અવસ્થામાં જ ઝોળીએ નાખી


54
જેલ ઓફિસની બારી