પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આટલો ઉશ્કેરાઈ જાય છે. બેભાન થયા પછી તારા પરના ફટકા એણે પૂરા કરાવ્યા તે તો ઊલટાનું સારું થયું. પાંચ જ ફટકે તને એ ત્રિપગી ઘોડી ઉપર મીઠી નીંદ આવી ગઈ. અને પછી કેટલી, લજ્જત પડી તને બાકીના ફટકા ખાવાની ! તારે અને ફટકાને પછી શી નિસબત હતી, યાર !

હિસાબ તો ગણ, ભૂંડા, ખરી રીતે તને તો માત્ર પાંચની જ વેદના વરતાઈ ને ? એટલે કે તારું કામ તો પાંચથી જ પતી ગયું ને ? બાકીના દસ તો તારા બેભાન ખોળિયા પર પડીને પૂરા થઈ ગયા. એક તો તું ખાટી ગયો, બીજું જેલવાળાની સજા સચવાઈ ગઈ. ને ત્રીજું દાક્તર દાદાને વારંવાર દયાર્દ્ર બની જઈ જેલર ઇત્યાદિની નજરે અળખામણા બનવાનું મટ્યું.

વળી, તારે આ બધી પૂછપરછ કરવાની જરૂર પણ શી છે, મારા ભાઈ ! એક તો તને મફત આટો ફાકવા મળ્યો, પછી તને આઠ દિવસની છૂટ મળી, દૂધ મળ્યું, ફટકાની સજાનો અણમૂલ અનુભવ મળ્યો. શરીરનો કયો ભાગ વધુમાં વધુ યાતના ખમીને પાછો વહેલામાં વહેલો રૂઝ ઉપર આવી જાય છે તેનું તબીબી જ્ઞાન મળ્યું ! તું ખાટી ગયો.

દાક્તર દાદાનો ટોટો પીસવાની તો તારે જરૂર જ નથી. તું નક્કી માનજે, એનો આજનો દિવસ કડવો ઝેર થઈ ગયો. એને આજે ઘેર જઈ ખાવું ભાવવાનું નથી. મરચું-કોથમીર નાખીને પતિની પ્યારી અડદની દાળ પકાવી વાટ જોતાં બેઠેલાં દાક્તરાણી આજે દાક્તર દાદાનાં નયનોનું અમી દેખવાનાં નથી. એની નાની દીકરી અરુણા-વરુણા-લતિકા કે મંજરી – જે હો તે નામની – આજ બાપના હોઠની ચૂમી પામશે નહિ. દરેક કામમાં ને સ્થાનમાં તારા ઢીંઢાના માંસના લોચા જ એની નજર સામે તરવરી ઊઠશે, ભાઈ નં. 4040 ! એની ખીંટી ઉપર લટકતો કાળો ઓવરકોટ આજે રાત્રીએ એને તારા, ઘોડી પર ઢળી પડેલા મૂર્છિત કલેવરનું જ સ્મરણ કરાવશે.


56
જેલ ઓફિસની બારી