પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




એક નવી યોજના

બેભાન ખોળિયા ઉપર ફટકાના પ્રહાર: આપણા કારાગારની કેવી અનિર્વચનીય અને અજોડ એ શિક્ષા છે ! તમારો મત ગમે તે હો, ભાઈ નં. 4040, પણ ફાંસીની સજામાં એ નવીનતા તો નથી જ. આની તો ખૂબી જ ન્યારી છે. આનું તો દૃશ્ય જ રોમન સંસ્કૃતિના જાહોજલાલી કાળના પેલા ગુલામોના તમાશાનેય ઝાંખપમાં નાખે તેવું છે.

અમારો રાજકેદી કહે છે કે સંસ્કારવંત રોમન પ્રજાની એ ઉત્સવઘેલી મેદની વચ્ચે, ઓ ભાઈ નં. 4040, તારા કરતાં તો ત્રણગણા વધુ હૃષ્ટપુષ્ટ, સુડોલ અને જોરાવર બબ્બે ગુલામોને ખૂનખાર દ્વંદ્વ ખેલવા સર્કસમાં ઉતારતા. ખાસ આ ઉત્સવને સારુ જ ખવરાવીપીવરાવી મદમસ્ત બનાવેલા એ બેઉ ગુલામ બાંધવો કેવા સરસ ઝનૂનથી લડતા ! પોતાની વચ્ચે કશુંય અંગત વૈર ન હોવા છતાં કેવળ આ ઉત્સવને રસભર્યો બનાવવા સારુ એ બેઉ પોતાની વચ્ચે બનાવટી ઝનૂન ઊભું કરતા, ભાલે અને તરવારે એકબીજાનાં શરીરો ભેદતા. એ સામસામાં શસ્ત્રોની હુલ્યો પડે તેમાંથી લોહીના ફુવારા ઊછળતા, એ રાતા ફુવારા નિહાળી-નિહાળીને હજારો રોમવાસીઓ કેવાં હર્ષાન્વિત થઈ થઈ તાળીઓ પાડતા !

ખાસ કરીને કોમલાંગી રોમન સન્નારીઓ કેટલું બધું ઉત્સવ-સુખ આ શોણિત-ફુવારાઓ નીરખી-નીરખીને પામતી હતી!

પછી છેવટે જ્યારે એમાંના એકને લોહીલોહાણ કરીને નીચે પછાડી, એની છાતી પર પોતાનો પગ રોપીને બીજો વિજયવંત ગુલામ દમામભેર ઊભો રહેતો, હવે છેલ્લી શી વિધિ કરવાની છે તેની આજ્ઞા માગતો એ સુંદરીવૃંદ સામે નિહાળી રહેતો, અને સમસ્ત ઉત્સવની મહારાણી તરીકે


એક નવી યોજના
57