પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચૂંટાઈને સિંહાસન પર બિરાજેલ રોમન સુંદરી પોતાના હાથનો અંગૂઠો પૃથ્વી તરફ હુલાવી જ્યારે આખરી ‘જબ્બે’ની આજ્ઞા દેતી, અહાહાહા ! તે વખતે એ શુભ ઇશારત નિહાળવા તલપાપડ થઈ રહેલી હજારો રોમન સુંદરીઓ કેવી ખુશખુશાલ બની જતી, દરેક સુંદરીના અંગૂઠા એ જ ઇશારત કરતા, તાલી-નાદ ઊઠતા, અને દૂરથી એ ઇશારત નીરખતાંની વારે જ પેલો વિજેતા હબસી પોતાના પગ તળે ચગદાયેલા જખમ-નીતરતા બાંધવને કલેજે કેવી કલામય છટાથી ખડગ પરોવી દેતો ! એના વદન ઉપર એ વખતે શી સંસ્કારભરી વીરશ્રી ઝળહળી ઊઠતી ! હજારો સંસ્કારવંત રોમવાસીઓના ‘શાબાશ ! શાબાશ !’ ગજવતા સ્તુતિઘોષ એ વીરના હોઠ પર કેવું રમ્ય હાસ્ય અજવાળી દેતા !

આટલાં બધાં સભ્ય સુંદર સંસ્કારશોભન સ્ત્રી-પુરુષોને સારુ પોતાના ક્ષુલ્લક જીવનની કુરબાની કરી તમાશો સર્જાવતો, પોતાના મોતને પુનિત માનતો, એક હરફ પણ બોલ્યા વિના ફક્ત ચકળવકળ આંખો તરડાવી હજારો ગાઉ દૂરની પોતાના ગામપાદરની નદીને કોઈક કિનારે પોતાના વતનના ઝુંપડાને આંગણે રમતાં પોતાનાં સીદકાં ભૂલકાંની તથા એ ભૂલકાંની હબસણ માની મીઠી યાદને પોતાની છાતીના લોહીમાં નવરાવતો એ પરાજિત હબસી જ્યારે પરલોકગમન કરતો, ત્યારે રોમન રાષ્ટ્રોત્સવની કેવી કમાલ સંસ્કારિતા વર્તી જતી, ઓ ભાઈ નં. 4040 !

ત્યારે મને એમ થાય છે, કે આ ફટકાની સજાને શા માટે આટલી બધી જેલોની અંદર છાને ખૂણે પતાવી દેવામાં આવે છે ? શા માટે એને ઉત્સવના રૂપમાં નથી મૂકી દેતા ? મને તો ખાતરી છે કે હજારો પ્રેક્ષકો ઊંચી ફી આપી આપીને પણ આ ફટકા-ઉત્સવ જોવા ટોળે વળશે. રોમન તમાશાની બે હબસીઓની સામસામી કાપાકાપી કરતાં તો ભાઈશ્રી નં. 4040 જેવાનું આ ઢીંઢાં-ભંજન કેટલું વધુ રસભર્યું થઈ પડશે ! ખાસ જે વધુ ખેંચાણ આમાં રહેલું છે તે તો એ છે કે ફટકા ખાનારના તો હાથપગ જકડાયેલા હોય છે, વળી એ નખશિખ નગ્ન હોય છે, સોટી મારનાર વિજેતા ખૂબ કળા વાપરીને સોટી ચગાવતો આવે છે, એક પ્રકારનું શૌર્યનૃત્ય કરતો આવે છે,


58
જેલ ઓફિસની બારી