પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને એની સોટીને ધાર યા અણી ન હોવા છતાંય સોટી ચામડું ચીરીને છેક અંદર ઊતરી જાય છે એ શું ઓછું અદ્ભુત છે ! સર્વથી વધારે અલૌકિક, સુંદર અને યુગનવીન તો એ છે કે નં. 4040ને ઘોડી પર બેભાનીની મધુરી નીંદ આવી ગયા પછી પણ ફટકા પડ્યા કરે છે ! આવું એક પણ રસતત્ત્વ હોય તો બતાવો મને પેલા રોમન તમાશાની અંદર !

હું તો ખાતરી આપું છું કે લોકો આ ફટકા-ઉત્સવને માણવા ખૂબ ખેંચાઈ આવશે. સન્નારીઓ પણ અનેક આવશે. અને આપણે તે લોકોનાં હૃદયોને આઘાત ન પહોંચે તે સારુ પ્રથમથી જ એવી જાહેરાત કરશે કે આ મારની વેદના, ચીસાચીસ, લોહીનાં છાંટણાં, માંસના ચૂંથા, મૃત્યુ સમાન મૂર્છિત દશા, ઇત્યાદિ તમામ તમાશાને અંતે કેદી પાછો દૂધ, દવા અને સુંવાળી સારવાર પામે છે. આઠ દિવસે તો હતો તેવો ને તેવો ‘તગડો’ બની કામે ચડી જાય છે, આમાં સરવાળે તો કોઈને મરવું પડતું નથી; ફટકા ખાનાર તેમ જ મારનાર પાછા તમામ ખુન્નસ વીસરી જાય છે. એ રીતે આ તમાશો તો પેલા રોમન તમાશા કરતાં ખૂબખૂબ વિવિધતાભર્યો, પ્રેમમય ને દયામય છે.

તેમ છતાંય તાત્કાલિક ઘાતકીપણાના એ દૃશ્યથી જો કદાપિ પ્રેક્ષકોનાં અંતર આકુળ બની જાય એવું લાગતું હોય, તો આ ફટકા-તમાશો ઊકલી ગયા પછી તરત જ ત્યાં સંગીતના જલસા, સિનેમા, નૃત્યની મહેફિલ વગેરે ગોઠવી શકાય. પીણાં અને નાસ્તો પણ પીરસી શકાય. શા માટે નહિ ? અમેરિકા દેશમાં ગોરાઓ સીદી-સીદણોને બજાર વચ્ચે જીવતાં બાળી નાખવાનો જલસો પૂરો કરીને પછી તરત જ કેવા ખાણીપીણી કરવા હોટેલોમાં ચાલ્યા જાય છે !

મારી તો જિકર આટલી જ છે, ઓ ભાઈ નં. 4040, કે સંસ્કૃતિના ઇતિહાસમાં અજોડ અને જુક્તિમય આ ફટકા-ક્રીડાને દુનિયાનાં રાજશાસનની એક અમુલખ શોધ અને સિદ્ધિ તરીકે જલસાનું સ્થાન આપી સદા જીવતી રાખવી તથા તેમાંથી સહેજે સહેજે મળનારી લાખો રૂપિયાની આવક વડે થોડું વધુ લશ્કર ઊભું કરવું, કે જેથી અનેક બેકાર જુવાનોને રોટલી આપી શકાશે, તારા જેવા ફટકા ખાનારને પણ રૂપિયો-આઠ આનાનું મહેનતાણું


એક નવી યોજના
59