લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jail-Officeni.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપી શકાશે, દાક્તર દાદાને પણ અહીં બે વર્ષ સુધી પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી. તો તેનેય બક્ષિસ આપી શકાશે.

આમ બધી બાજુથી વિચાર કરતાં આ ફટકાની મહેફિલ મને બહુ વહાલી ને ઉપયોગી લાગે છે. તેથી જ હું ફરીફરી તેનાં ગુણગાન ગાયા કરું છું, અને મારા એંશી વર્ષના અનુભવમાંથી આવા તંગીના કાળમાં નાણાં રળવાની તરકીબ દેખાડું છું.

માટે, હે ભાઈ નં. 4040 ! તું આમાં બાપડા દાક્તર દાદા ઉપર દાંત પીસતો ના. તું એ બાપડા મરેલાને શું મારવાનો હતો ! તારા જેવાએ તો અક્કેક દિવસની ઢોંગલીલા વડે એની જુવાનીની ખુમારી હરી લીધી છે. તારી અને તારા ગોઠિયાઓની કરામતોમાં એ ગૂંચવાઈ ગયેલ છે. શરીરનાં અનેક સુંવાળાં અંગો ઉપર કયું ઘાસ અથવા કયા વેલાનાં પાંદડાં ઘસવાથી ભંભોલા ઊપડે તે તમે સહુ શીખી ગયા છો. એવા ઈલમો અજમાવીને તમે દાદા સામે તમારા લોહીલોહાણ સોજા દેખાડતા ઊભા રહો છો. તમારાં શરીરોની એ ઈલમો વડે કરેલી અવદશા દીઠી ન જાય તેવી હોય છે. એથી છેતરાઈ-છેતરાઈને દાદાએ બાપડાએ તમને ઘણીઘણી વાર રેંટ, ચક્કી કે સ્ટેશનપાટીનાં કામોમાંથી છૂટી અપાવી, ઘણા રોજ ઇસ્પિતાલના ખાટલા તમને ખૂંદાવ્યા.

પણ હવે તો દાદાની બુદ્ધિને તમે બરાબર અટવાવી દીધી છે. સાચી અને બનાવટી બીમારી વચ્ચેનો ભેદ એ પારખી શકતા નથી. તમે જઈને દયામણું મોં કરી ખડા રહો છો કે તરત જ દાદા તમારા ઉપર તરકટનો જ અંદેશો આણીને ત્રાડ પાડી ઊઠે છે: સૂકાં સાથે લીલાં પણ સળગે છે દાદાના એ કોપ-દાવાનળમાં.

“લે જાઓ સાલાકો ચક્કીમેં, ઉઠા જાઓ રેંટપાટીમેં !” એવી દાદાની સિંહગર્જના ઊઠે છે.

દાદા, હું તમારાં વારણાં લઉં છું. અનેકનાં આંસુઓથી ઘોળેલી મારી કંકાવટીમાંથી હું તમારે ભાલે ચાંદલો કરું છું. આશીર્વાદ આપું છું કે નં. 4040 જેવા અનેકને ફટકા-ઘોડી પર બંધાવવાનો તમે લહાવો પામો !


60
જેલ ઓફિસની બારી