પૃષ્ઠ:Jail-Officeni.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દયા ખાઈને વ્યાજે નાણાં ધીરતો’તો અને પાક તૈયાર થાય ત્યારે ખોટુકલીખોટુકલી છૂરી દેખાડીને ખેડૂતો કનેથી વ્યાજ સુધ્ધાં નાણાં માગતો; બાપડો લાલ-લાલ ડોળા ફાડીને કાકલૂદી કરતો; ત્રેવડ ન હોય તેવા ખેડૂતો કનેથી વહુદીકરીનાં શિયળ માગી લઈને પણ ચલાવી લેતો; અને આ પાજી દગલબાજ ખેડૂતોના ફાંસલામાંથી ઊગરવા સારુ એ બાપડો ગામોગામના અમલદારોને ગાય જેવી પોતાની ગરીબ જિંદગીની રક્ષા માટે હંમેશાં સાધેલા રાખતો. સહુની સાથે એને તો હૈયા સામી હેતપ્રીત હતી.

પણ કોણ જાણે શુંયે ઝનૂન ચડી ગયું આ ત્રિવેણી બામણીને તથા એના ગામના પંદર ઘાતકી ખેડૂતોને, કે સોળે જણાંએ મળીને બાપડા, રાંકડા, બચ્ચરવાળ, હેતાળ અને પરાર્થે જીવનસમર્પણ કરી રહેલ એ શાહુકાર પઠાણનું ઠંડે કલેજે કાસળ કાઢી નાખ્યું.

ગંગા નદી નક્કી અવળી વહે છે. નહિ તો એક બ્રાહ્મણી બુઢ્‌ઢી ઊઠીને પઠાણહત્યા જેવું પાપ કેમ કરી બેસે ? એથી યે વધુ અચંબો તો મને કાલે થયો. વીસ જ વર્ષની એક બીજી બ્રાહ્મણી આવી. ઘાટીલો ગોરો દેહ: મોં ઉપર દીનતાભરી માધુરી: હાથમાં બે મહિનાનું બાળ. બે બંદૂકધારી પોલીસોએ આવીને છ મહિનાની સજાવાળી આ ઓરતને જ્યારે દરવાજે સુપરત કરી, ત્યારે અમારો જેલર એના મોં સામે તાકી રહ્યો. અણસાર પારખી, બોલી ઊઠ્યો –

“અહોહો, ત્રીજી વાર તું આવી પહોંચી. બાળકને રઝળતું ફેંકી દેવાના ગુના બદલ આ તારી ત્રીજી યાત્રા ! તને કંઈ દયા છે કે નહિ ? પેટના બાળકને તે ત્રણ-ત્રણ વાર સડક ઉપર ચગદાતું મૂક્યું !”

“નહિ સા’બ ! નહિ સા’બ !” અમારો બ્રાહાણ કારકુન મારી આરપાર પાનની એક વધુ પિચકારી ઉડાવતો બોલી ઊઠ્યો: “ઓ લડકા ઉસ્કા ધનીકા નહિ હે. યે તો હે વિધવા. ઉસ્કુ ઓર લડકાકુ ક્યા ? હોયગા કોઈ મુસલમાનકા, કોઈ ગુંડાકા, કોઈ ઉસકા જેઠકા, સસરાકા ! હા – હા – હા – હા ! ઓ વિધવા કુછ કમ નહિ હોયગી, સમજે સા’બ !”

“અરે સા’બ !” એને લાવનાર પોલીસોએ સમજ પાડી: “જડજ સા’બ


હરામના હમેલ
67