પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




નવો ઉપયોગ

કોક કોક દિવસ અહીં જેલરના ટેબલ ઉપર ચોપડીઓનો ઢગલો થાય છે. એમાં બીજા અનેક દેશોની વાતો લખેલી હોય છે. લખ્યું હોય છે કે ફ્લાણા દેશમાં તો બાળક એટલે પાપ નહિ, પછી છો એ ગણિકાનું હોય. બાળક દીઠું એટલે તરત જ રાજના રખેવાળો ઉપાડી લે, રક્ષા આપે, આયાઓને સુપરત કરે, ઉછેરી ઉછેરીને જુવાન બનાવે, ભણાવેગણાવે કસબકારીગરી શિખવે, ઇજ્જતદાર શહેરી બનાવે.

ખબરદાર ! રાજ કહેશે, એનાં માબાપનું નામ કોઈ પૂછશો મા. એનાં માવતર છો ને દુનિયાનાં ઉતારનાંય ઉતાર હો; બચ્ચું તો નિષ્પાપ છે, બિનગુનેગાર છે. ખરેખર તો એ રાજનું સંતાન છે. એનાં માવતરનું નામ સંભારી આપવું એ પણ એના અપમાન બરોબર છે. એ માંસનો લોચો હતો ત્યાં સુધી હતો માતપિતાનો. માંસરક્તનાં તો તમામ રોગદુર્બળતા એને માતપિતાના વારસારૂપે મળી ગયાં. એટલા અપરાધની સજા એણે મેળવી લીધી. પણ એમાં આત્મા પ્રવેશ્યો તે તો અનંતનો પ્રવાસી છે, યુગયુગાન્તરનો એકલવિહારી છે. એ તો છે દિવ્યનો વારસદાર. પ્રજાનો એ પુનિત હાથપગ બનશે. ખબરદાર, એને કોઈએ ભ્રષ્ટાનું સંતાન કહી અળગો ધકેલ્યો છે તો ! રાજ એનાં માતતાત છે, ને પ્રજા એની જાતિ છે.

આવું આવું લખ્યું’તું એ ચોપડીમાં. બીજી ચોપડી બોલતી હતી કે બીજા કેટલાય દેશો છે. ત્યાં તો અહીંની જ માફક ‘હરામના હમેલ’ની ગંધ લેતા શ્વાન-શા પોલીસો વિધવાનો પીછો લે છે અને જીવતાં જણેલાં બાળકોને કબજે લઈ, સમાજથી છેટાં રાખી ઉછેરી મોટાં કરે છે: ને ભરજોબનમાં લોહી ભરાતાં એ સમાજબાતલોને ખંભે રાઈફલો ઝલાવે છે – હુકમ


નવો ઉપયોગ
71