પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દેવાની સાથે જ હરકોઈને ફૂંકી દેવા સારુ: ગામડાં બાળવા સારુ: શત્રુઓના સીમાડા લૂંટવા સારુ: ને મોકો મળે તો દુશ્મનોની વહુદીકરીઓના કલેવરો પણ ચૂંથવા સારુ.

પલટનોની પલટનો ભરેલી હોય છે આવી ‘હરામના હમેલ’ની દૂધમલ ઓલાદથી, આભડછેટિયા સંસારે એને તારવી કાઢીને નોખાં કતલખાનાં સર્જ્યાં છે ને એનાં શરીરોની જીવતી દીવાલો ચણાવી છે પોતાના સફેદ પાપાચરણોની રક્ષાને સારુ.

હું આંહીં પથ્થરોની ભીંસમાં જકડાયેલી છું, ને હસી-હસીને મારી પાંસળીઓ ભેદી રહી છું ને તેમાં કોઈ-કોઈ વાર આ સામેની સડક થરથરી ઊઠે છે, દૂરદૂરથી ચાલ્યાં આવતાં રામઢોલ અને રણશરણાઈઓ આ હવાના તંતુઓને કમ્પાયમાન કરી મૂકે છે: અને થોડી વારે હું જોઈ રહું છું એ રણવાદ્યના તાલે તાલે કદમ ભરતા જુવાનોનાં લંગર પછી લંગર.

શા ગોરાગોરા એ બધા ગાલ: શા પ્રભાતની સુરખીથી રંગેલા એના હોઠ: આંખોની કીકીઓમાં આકાશનું અંજન: છાતીમાં અક્કેકું સરોવર ભરેલું: અરેરે, આવા અક્કેક બેટાને મારી કુખે ધારણ કરવા કહો તો હું સાત-સાત અવતાર સેવું. મારા અંતરમાં કશુંક ઊભરાય છે. કશીક ધારાઓ છૂટવા મથે છે. જાણે હું એ તમામનાં મોંને ધોળાધોળાં ધાવણની ધારે ભરી દઉં !

પણ હાયહાય ! મારે છાતી જ ન મળે ! મારે થાનેલાની જગ્યાએ લોહીમાંસ વગરના સોંસરવા ખાડા જ છે, મારે તો રહી છે નર્યા લોખંડી સળિયાની જ કાળીકાળી પાંસળીઓ.

“આમ જોઈ લે, ડોકરી !” રામઢોલ અને રણશિંગાં મને કરડે અવાજે કહી રહ્યાં છે: “જોઈ લે, અમે અમારા સમાજના એઠવાડમાંથી કીડાઓને વીણી લઈને કેવા વાઘદીપડા સરજાવ્યા છે ! જ્યાં છૂટા મૂકીએ ત્યાં વિનાશની જ્વાલાઓ બનીને ફરી વળે. પૃથ્વીના પોણા ભાગમાં, ડોશી, આવી અમારી ક્રિયા ચાલી રહી છે. નધણિયાતા છોકરાઓને અમે નાખીયે નથી દેતાં, અમારા સમાજની ફૂલવાડીમાં એને જવા દઈ આભડછેટ પણ ઊભી નથી


72
જેલ ઓફિસની બારી