પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરતા; અમે તો એનાં લશ્કરો ઊભાં કરીએ છીએ. અમે તારા દેશના આર્યો જેવા કમઅક્કલ નથી, તેમ પેલા રશિયનો જેવા ઊતરેલા પણ નથી. અમારું તો છે દુનિયાદારીનું સર્વશ્રેષ્ઠ ડહાપણ: તારા દેશના વાણિયાઓની વ્યવહારબુદ્ધિના અમે પૂજારીઓ છીએ.”

રામઢોલ અને રણશિંગડાએ આ બધું જ કહ્યું કે હું સાંભળી રહી. આ પથ્થરો જો મને થોડીક વાર છૂટી મૂકે ને, તો હું દોડી જઈને એ રામઢોલનાં પેટ ફોડી નાખું ને એ શરણાઈઓનાં ગળાં મરડી નાખું. પણ મારે તો આંહીં બેસીને જોવું જ માંડેલું છે.

આવા ગોરાગોરા હજારો હાથમાં બંદૂકડી પકડાવી, એને માણસોના ચારા ચરવા મોકલનારને કોણ દેખાડશે એ પ્રત્યેકની જનેતાની હૈયાવરાળો ! કોઈ કુમારિકાએ કે વિધવાએ એ અક્કેકનો ભાર ઝીલતાં ને જન્મ દેતાં, અને પછી પોતાના અત્યાચારી કો કુટુંબી કે કુળવાન પુરુષની આબરૂ સારુ રઝળતું મેલતાં, શીશી વેદના ઉઠાવી હશે ?

અત્યારે એ જનેતાઓ જોતી હશે કે જે નાના હાથમાં પોતે બંસી, પ્રભુપોથી કે નિર્દોષ હથોડો-પાવડો ઝલાવવાનાં સ્વપ્નાં સેવ્યાં હશે, તે હાથમાં બંદૂકો ફૂંફાડે છે. કોઈ ગર્ભિણીને ગર્ભને ઉઝરતાં-ઉઝરતાં ઈશુની માતા મૅરીની યાદ રહેલી હશે; કોઈને પોતાના દેશનો પ્રેમગાયક કો કવિ કે શાંતિના શબ્દો પાડનાર કો ગ્રંથકાર એ નવેય માસ સાંભર્યાં કર્યો હશે; કોઈએ ધ્યાન ધર્યું હશે પોતાની હતભાગિની સ્ત્રીજાતિના કોઈક ઉદ્ધારકનું, ખાણમાં મજૂર બચ્ચાંના કોઈક તારણહારનું, મંગળના તારને અડકવા ઊડનાર કોઈ વિમાનીનું, ઉત્તર ધ્રુવને કિનારે પહોંચનાર કોઈ સાગર-વીરનું. એમાંની કોઈ ગર્ભધારિણી નાટકની નટી હશે, નૃત્યસુંદરી હો, સાધ્વી હશે, કિન્નરકંઠી ગાયિકા હશે, વિદ્યાલયે ભણતી વિદુષી હશે, દેવળના ધર્મપાલની પુત્રી હશે, વહાણવટીની વિજોગણ હશે, દવાખાનાની નર્સ હશે, કોણ જાણે કેવાય સુંદર સંસ્કારોએ સોહામણી એ મા કોઈ ઇજ્જતવાનને ફાંસલે ફસાઈ ગઈ હશે !

એ તમામનાં ફરજંદોની આ એક સરખી દશા ! તમામના હાથમાં


નવો ઉપયોગ
73