પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંદૂકડી ! એ પ્રત્યેક સુંદર દેહ તોપોના મોંમાં ફેંકવા ઘાસનો પૂળો બન્યો. એને હુકમ અપાતાંની વારે જ એ ગોળીઓ છોડશે – કોઈ બેકારોનાં ટોળા પર, કે જેમાં કદાચ એની જનેતા પણ ઊભી હશે: કોઈ કારખાનાના હડતાલિયા પર, કે જેની અંદર એ જ જનેતાના ગર્ભે સેવાયેલ પોતાનો સગો ભાઈ પણ શામિલ હશેઃ કોઈ પરદેશી સૈન્ય ઉપર, કે જેમાં પોતાના સરખા જ માતાના ત્યજેલાઓ પેટને ખાતર પટ્ટા બાંધીને ઊભા હશે.

પણ હું તો વિનાકારણ આટલી ઊંકળી ગઈ. પારકા દેશમાં પાપનાં છોકરાંને આમ થાય છે ને તેમ થાય છે તેની શી તથ્યા પડી છે મારે ? હું તો કહું છું કે ઘણી ખમ્મા મારા દેશની ધર્મનીતિને ! નારીજાતને તો જગતકર્તાએ નીચ સર્જી છે ત્યારે જ એની કાયામાં આવાં પાપ ઊગી નીકળી છે ને ! પ્રભુએ જ પુરુષને ઊંચેરો સ્થાપેલો છે એટલે એને પાપનાં પરિણામ ધારણ કરવાનું જોખમ નથી ને ! માટે આ ભ્રષ્ટાઓ અને કુલટાઓ છો એમનાં પાપનાં ફળો ભોગવતી. એમના દુરાચારનાં પેદા થયેલ બાળકો જેમતેમ ટૂંકાં પતી જાય તો જ સમાજનો ઉગાર છે. આંહીં જો એ બાળકોને રાજપાલિત પ્રજાજનો બનાવવાની નીતિ પેઠી તો અમારા પવિત્ર કુળાચારના બાર વાગી જશે. પછી તો વંઠેલનાં જણ્યાં ખાનદાનનાં ફરજંદો જોડે એક નિશાળે ભણશે, ઊંચાં બુદ્ધિતેજ બતાવશે, વરશે, પરણશે ને મોટી પાયરીઓ પર ચડી બેસશે તો અમારી ન્યાતજાતનું, વણવર્ણીનું, વંશપરંપરાની અમીરાતનું ને આર્યરક્તની વિશુદ્ધિનું શું થશે ? કોઈ કોઈનાં માબાપનું નામ ન પૂછી શકે તો તો પછી કૂળવાન-કુળહીનનો ભેદ શી રીતે સમજાશે ?

મને તો આ ‘હરામના હમેલ’નાં છોકરાં માટે એક ઉપાય સૂઝે છે. રાજની સત્તાવાળાઓએ તો કોઈ બાઈને ‘હરામના હમેલ’ રહે એનો ચોક્કસ જાપતો રાખવો. બની શકે તો એને સારુ છૂપી પોલીસનું જૂથ વધારવું. પૂરે મહિને પ્રસવ કરાવવો. પછી પ્રસવનાર માતાને સજા કરવી કે જેથી ધર્માચાર્યો વગેરે રાજી રહેશે. પેલાં છોકરાંને મા ધવરાવે ત્યાં સુધી ધાવણ પર ઉછેરવાં એટલે કંઈ વધારાનું ખર્ચ નહિ કરવું પડે, અને માનું ધાવણ મૂકી દીધા બાદ એના આટલા-આટલા ઉપયોગ થઈ શકે :


74
જેલ ઓફિસની બારી